Showing posts with label ગુજરાતી શેર. Show all posts
Showing posts with label ગુજરાતી શેર. Show all posts

Thursday, 28 February 2019

ગમતો_શેર : રમેશ પારેખ સ્પેશ્યલ

'રમેશ પારેખ' એટલે સંવેદનોનું ઘોડાપુર! કાળજું કોરી નાખે એવી કવિતાના કસબી ને નવોઢાની મહેંદી જેવા લાલચટ્ટક લયના કવિ....

આજે #ગમતો_શેર નહીં, પણ મનગમતા કવિના #ગમતાં_શેર :

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ…

ન્હોતી ખબર કે શહેરના લોકો હશે સાવ અંધ,
આવ્યો'તો હું રમેશ અહીં અરિસાઓ વેચવા!

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

‘ર’ નિરંતર મેશમાં સબડે અને,
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે…

એક છોકરી ન હોય ત્યારે કેટલાં અરીસાઓ સામટા ગરીબ બની જાય છે
બીજું શું થાય કંઈ પથ્થર થઈ જાય કંઈ ચોખંડી ચીજ બની જાય છે

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.

ચીંધ આખું વિશ્વ એને તું રમેશ,
જેને સરનામું ર.પા.નું જોઈએ!

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી,
આળ મારા પર, સહુએ, મારું હોવાનું મૂક્યું.

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે…

ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું,
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું!

છ અક્ષરના નામની ૧૨મી પુણ્યતિથિએ રમેશાભિમુખ....
- મનન બુધ્ધદેવ

Sunday, 29 April 2018

#ગમતો_શેર : ૬

#ગમતો_શેર :
          આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

અપની વજહે બરબાદી સુનિયે તો મઝે કી હૈ,
ઝિંદગી  સે  યૂં  ખેલે, જૈસે  દૂસરે  કી  હૈ !!
                                  - જાવેદ અખ્તર

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર પોતાની જિંદગીનો હિસાબ જાણે આ શેરમાં માંડે છે. શાયર કહે છે કે, અમારી બરબાદીનું કારણ મજાનું છે.

કેટલાક લોકો બીજાની જિંદગીને બરબાદ કરવા જ સતત મથતાં હોય છે, એમને મન બીજાની જિંદગીની કોઈ કિંમત હોતી નથી. શાયર કહે છે, જેવું લોકો બીજાની સાથે કરે એવું અમે અમારી જિંદગી સાથે કર્યું છે.

પોતાની જ જિંદગી સાથે કોઈ મમત રાખ્યા વિના કેટલીક રમત જાત સાથે કરી છે. જિંદગી સાથે ખેલેલો ખેલ જ ખિલવાડનું કારણ છે! ને તોય શાયર એને મજાનું કહે છે!!

છે ને પોતાનાં જીવન વિશેનું  શાયરનું મજાનું સરવૈયું!

જીઓ... શાયર!

#ગમતો_શેર : ૫

#ગમતો_શેર :
           આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

એણે એવું કીધું કે જાવ સુખની ચાવી શોધી લાવો,
ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું?

                                              - ભાવેશ ભટ્ટ

મુશાયરામાં આગવા મિજાજ માટે જેઓ ખૂબ લોકપ્રિય છે એવા શાયર ભાવેશ ભટ્ટનો આ શેર જિંદગીના રહસ્યને લોકભાષામાં અનલૉક કરે છે!

જેમ આપણા ઘરને આપણે તાળું મારીએ અને પછી ચાવી ખોવાઈ જાય તો શોધવી પડે તેમ સુખના ઘરને પહેલાં આપણે જ તાળું મારીએ છીએ ને પછી એની ચાવી શોધવાના ઠેર ઠેર ઉધામા કરીએ છીએ!!

આપણે સુખની શોધમાં આંખો મીંચીને એવાં તલ્લીન હોઈએ છીએ કે સુખ આંખ સામે હોય તોય દેખાતું નથી. સુખની શોધ ખુદની ખોજમાં જ છે!

છે ને સુખની ચાવી શોધવા માટેના આપણા કાવાદાવા પર કવિનો કડવો કટાક્ષ!

જીઓ... શાયર!

Tuesday, 17 April 2018

#ગમતો_શેર : ૪

#ગમતો_શેર :
             આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

એકાદ જણે એકલા મહેફિલ ભરી હશે,
જો આપ ત્યાં પધારી શકો તો મળી શકું!

                                        - ધ્રુવ ભટ્ટ

જેમના સર્જનોમાં જીવનની ફિલસૂફી વણાયેલી હોય છે, એવાં પ્રખ્યાત લેખક અને ગીત કવિ ધ્રુવ ભટ્ટે ગઝલો પણ લખી છે. એમનો આ શેર ભીતરની યાત્રા રજુ કરે છે.

'મેલેમેં અકેલા' અને 'અકેલેમેં મેલા' જેવી જિંદગી જીવતાં મનુષ્યો ખુદને મળવામાં જ વ્યસ્ત હોય છે. એમન મન 'સ્વ'ની મહેફિલ વિશ્વની મહેફિલ કરતા વધુ અગત્યની હોય છે. આપણને આપણામાં ભળતાં આવડે તો આપણે આપણનેે મળી શકીએ.

છે ને ખુદમાં ખોવાઈ જવાની અદ્દભુત વાત!!

જીઓ.... શાયર!

Sunday, 15 April 2018

#ગમતો_શેર : ૩

#ગમતો_શેર :
            આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
                          - ખલીલ ધનતેજવી

પહાડી અવાજના માલિક ખલીલ ધનતેજવીની શાયરીમાં લાગણીઓ ભારોભાર ભરેલી હોય છે. પ્રિયજનની સ્મૃતિઓ જ પ્રિયજનને કાયમ પ્રિયજન રાખે છે. અંગત સાથેની સંગતની રંગતને યાદોથી અંકિત કરવાની હોય છે.

મનુષ્યને અંદરથી કોરી ખાનાર કોઈ હોય તો તે એકાંત છે. જીવનમાં રોજ કેટલીયે ઘટનાઓ બને છે એ બધી યાદો બની નથી જતી. કેટલીક જ યાદો હોય છે, જે કાળાંતર સુધી ટકતી હોય છે.

પ્રિયજનને યાદોને આપવાની નથી, વળગાડવાની છે, જેથી તે ક્યારેક વિસરાય જ નહીં ને સાચવી રાખેલ મૂડીની જેમ એકાંતમાં ખપ લાગે, કામમાં આવે!

છે ને પ્રિયજનના એકાંત વિશેની કવિની ચિંતા અને એનું અનોખું સમાધાન!


જીઓ..... શાયર!

#ગમતો_શેર : ૨

#ગમતો_શેર :
         આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

                                              - રમેશ પારેખ

'છ અક્ષરનું નામ'વાળા રમેશ પારેખ જીવનની હકારાત્મકતાને શેરમાં ભેળવે છે. વરસાદ આવે ને માણસ બહારથી ભીંજાય પણ અંદરથી કોરો રહી જાય તો એમાં વરસાદનો શું વાંક!? આપણે આવરણોનો રેઇનકોટ કાઢીએ નહીં એમાં વરસાદ શું કરે!?

જિંદગી માણસને તરબતર કરવા તત્પર જ હોય છે, પણ આપણી ભીંજાવાની તૈયારી હોવી જોઈએ.

સંબંધોમાં ભીંજાવું કે ન ભીંજાવું એ આપણા હાથની વાત છે. કેટલાકને એકાદો વરસાદેય કાયમ ભીંજવેલા રાખે, તો કેટલાક ચોમાસે ચોમાસે કોરાં જ રહી જતાં હોય છે!

વરસાદ તો ભીંજવવા જ વરસતો હોય છે, ભીંજાવા માટે આપણું જીવંતપણું જરૂરી છે!

છે ને ભીંજવી નાખે એવી વાત...!


જીઓ.... શાયર!

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...