Showing posts with label રીવ્યુ. Show all posts
Showing posts with label રીવ્યુ. Show all posts

Thursday, 28 February 2019

નીલ બટ્ટે સન્નાટા : શૂન્યાવકાશ પાછળનું આકાશ

કોલમનું નામ : T ફોર Teacher
(એજ્યુકેશન સિસ્ટમ)
આસ્વાદ લેખ : મનન બુધ્ધદેવ

એક શાળાના એક ક્લાસમાં વીસ પચ્ચીસ વિદ્યાર્થીઓ અને એક ટીચર લેપટોપ સામે બેઠાં છે. રસપૂર્વક કૈંક જોઈ રહ્યાં છે. થોડી થોડી વારે ટીચર પોતાનો રૂમાલ કાઢીને આંખોના ખૂણા લૂછે છે, તો વિદ્યાર્થીઓ પણ ટીચરને જોઈ, ક્યારેક લેપટોપમાં ચાલતી ફિલ્મના દૃશ્યને જોઈ છાનું છૂપું રડી લે છે. ફિલ્મ જોવાની આ ઘટના એ શિક્ષિકાના વર્ગમાં દર વર્ષે થાય છે. દર વર્ષે વિદ્યાર્થીઓ બદલાય છે. શિક્ષિકા એના એ જ રહે છે. દર વખતે એમને આ ફિલ્મ જોઈ નવી ઉર્જા મળે છે. આ ફિલ્મ જોનાર વિદ્યાર્થીઓમાં પણ એ શિક્ષિકા ખાસ્સુ નોંધનીય પરિવર્તન જોઈ શકે છે. વિદ્યાર્થીઓને પણ ફિલ્મનો પરિવેશ પોતીકો લાગે છે. પોતાની જ વાત, પોતાની જ સમસ્યા જાણે ફિલ્મમાં રજૂ થાય છે, એવું વિદ્યાર્થીઓ અનુભવે છે. ફિલ્મનો અંત આવે એટલે વિધાર્થીઓ અને શિક્ષિકા એક બીજા સાથે કાંઈ જ બોલી શકતા નથી, પણ તેમનું મૌન ખૂબ બોલકું હોય છે !

આ ઘટનામાં જોવાતી ફિલ્મ એટલે નીલ બટ્ટે સન્નાટા! એક સંવેદનાસભર નખશીખ એજ્યુકેશનલ ફિલ્મ. અભાવોમાં જીવાતી જિંદગીની સપના જોવાની જીદ એમાં હદયનાં તાર ઝણઝણાવી દે એવી રીતે રજૂ કરાઇ છે. નીલ બટ્ટે સન્નાટા એટલે શૂન્યને ભાગો તો શૂન્ય સિવાય કંઇ જ ના વધે એવો ભાવાર્થ કરી શકાય. નકારાત્મક લાગતું આ શીર્ષક ફિલ્મમાં સતત કટાક્ષ કરતું રહે છે અને અંતે ખોટું પડે છે ! આ ખોટું પાડવાની જીદ કરે છે કે એનાથી જીદ થઇ જાય છે, એ છે એક માં ! નામે ચંદા સહાય, ધોરણ દસ અધૂરું છોડી, પોતાની ગરીબાઈને વશ થઇ અતિસામાન્ય જિંદગી જીવતી ચંદા પારકા કામ કરે છે. એની દીકરી અપ્પુ ઉર્ફે અપેક્ષા (માતાની અપેક્ષા) છે. ચંદા તેણીને માટે ઘણી ગંભીર છે. પોતે જે સ્થિતિમાં છે, એમાં જ એની દીકરીને કોઈ માં રહેવા ન દે. પોતા કરતાં વધુ સફળ પોતાનું સંતાન થાય એવું દરેક મા-બાપ ઈચ્છતા હોય એમ ચંદા સહાય પણ ઈચ્છે છે. મા-દીકરીનો આ પરિવાર નાના એવા ઘરમાં રહે છે. દીકરી દસમા ધોરણમાં આવી છે. માને ખબર છે હવે, આ અપેક્ષાની જિંદગીનો મહત્વનો વળાંક છે. આ પાર થશે એટલે જરૂર કૈંક આગળ થશે. 

અપેક્ષા સહાય, નામ પ્રમાણે વિદ્યાર્થી હાજરીપત્રકમાં પહેલું નામ છે પણ અપેક્ષા પરીક્ષામાં છેલ્લેથી પહેલો ક્રમ મેળવે છે. માંડ માંડ પાસ થતી અપ્પુ ગણિતથી ગભરાય છે. શાળાના કડક આચાર્ય ગણિત ભણાવે છે, એટલે ગણિતથી એ વધુ ડરવા લાગે છે. આ શિક્ષક ખુબ ઓછું હસે, (ગણિતનાં શિક્ષકો ઓછું હસે, એવું શિક્ષણવિદ્દ સુબીર શુક્લા કહેતા!) પણ વિદ્યાર્થીઓ માટે ખુબ દૃષ્ટિવાન અને મહેનતી. સફળતાને બિરદાવે અને નિષ્ફળતાને ઉદ્દીપન આપી સફળતા તરફ દોરી જાય! અપેક્ષા પ્રત્યે એમને કોઈ વિશેષ અપેક્ષા નથી. જે અપેક્ષા છે, એના પર અપેક્ષા સાચી પડે છે.(સીમ્બોલીઝમ!) ચંદાને અપેક્ષાની ખુબ ચિંતા થયા કરે છે. અપેક્ષાને ભણવા કરતા ટી.વી. જોવું, વાતો કરવી, હરવું ફરવું, વધુ ગમે છે. ભણીને શું મળવાનું છે? અંતે તો તેને પણ તેની માની જેમ કામવાળી બાઈ જ બનવાનું છે ને!  આવું વિચારી મેટ્રિકમાં અને જિંદગીમાં ફેઈલ થવાની તેણી તૈયારી કરી રહી છે!

ચંદા એક ડોક્ટર દીદીને ત્યાં ‘બાઈ’ તરીકે કામ કરે છે.  આ ડોક્ટર દિવાન ચંદાના મેન્ટર તરીકે તેણીને સહાય કરે છે. ચંદાની મુખમુદ્રા જોઇ તેણી ભાવને કળી શકે છે. ચંદાને જયારે અપેક્ષા એમ કહે છે કે, ડોક્ટરના સંતાન ડોક્ટર બને એમ બાઈની દીકરી તો ‘બાઈ’ જ બને ને! આ ચિંતા ચંદાને કોરી ખાય છે, તેણીને ડૉ.દિવાન તબક્કે તબક્કે માર્ગ બતાવી પ્રોત્સાહિત કરતા રહે છે. ચંદાને ધ્યાને આવે છે કે તેની દીકરી ગણિતમાં નબળી છે, એટલે તેણી અને દિવાનદીદી અપેક્ષા માટે ટ્યુશન રખાવાનું નક્કી કરે છે, પણ ટ્યુશનવાળા હોશિયાર વિદ્યાર્થીને ડિસ્કાઉન્ટ આપે છે. ભણવામાં સામાન્ય વિદ્યાર્થીને વધુ ફી ભરવી પડે એવું કહી શિક્ષણનું વ્યવસાયીકરણ કર્યા કરે છે. આવી સ્થિતિમાં ચંદા ખુબ ભારણ અનુભવે છે. ત્યારે ડૉ.દિવાન એક નિર્ણય લે છે. તું જાતે શીખ અને તારી દીકરીને શીખવ, એ માટે શાળાએ જવું હોય તો ફરી જા! અને આપણા આશ્ચર્યની વચ્ચે ચંદા પોતાની દીકરીની જ શાળામાં દીકરીના જ ક્લાસમાં યુનિફોર્મ પહેરી રીતસર વિદ્યાર્થીની બને છે! મા-દીકરી વચ્ચે આ બાબતે મતભેદ થાય છે. એ મતભેદ સ્પર્ધામાં પરિણમે છે, ફિલ્મનો આ પાર્ટ અનેક રસથી તરબતર છે. એ તમને રડાવે પણ છે અને વિચારાવે પણ છે. શિક્ષક, મા-બાપ, મિત્ર અને અજાણ્યા વ્યક્તિઓનો આપણા જીવન પર પડતો પ્રભાવ આપણી પ્રગતિને પોષક હોય છે. આ આખી વાતને અપેક્ષા(!) મુજબ ફિલ્મમાં રજૂ કરાઇ છે. 

ફિલ્મ એક કલાક અને ઓગણચાલીસ મિનિટ સુધી આપણી અંદરની અનુભૂતિઓને જ રજુ કરતી હોય એમ લાગ્યા કરે છે. પછી આપણે મા-બાપ તરીકે, શિક્ષક તરીકે કે વિદ્યાર્થી તરીકે ભલે જોતાં હોઈએ! જે પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ એ દરેકમાં આપણને ફિલ્મ રીતસર જોમ પૂરું પાડે છે. ફિલ્મ જોયા બાદ એક પણ સીન ફિલ્મમાં બિનજરૂરી નથી લાગતો. માળામાં મોતી ગૂંથાય એમ, ફિલ્મ મગજમાં ગૂંથાતી રહે છે. ફિલ્મમાં ઈમોશનલ સીન્સ કાબિલે તારીફ છે. તેમાં મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર અને બાળમાનસનો સમન્વય છે. શિક્ષકો અને માબાપનો બાળકોના જીવનમાં કેટલો મહત્વનો ભાગ છે, એ પણ ફિલ્મ રજુ કરે છે. ફિલ્મમાં ‘મા’ને કેન્દ્રમાં રાખી છે. પોતાની થાળીમાં ઓછું પીરસતી મા, જરૂર પડ્યે સંતાનને ખીજાતી મા, દીકરી માટે બાધા રાખતી મા, જૂની સાડીઓ પહેરી સ્વપ્ન પૂરું કરવા બચત કરતી મા, જમીને સુઈને નીલા ગગનને આંબવાની હિમ્મત ભરતી મા, આ દરેક આયામો ફિલ્મ ડાયરેક્ટરે સ-રસ રીતે ચીતર્યા છે. આ ફિલ્મ ‘મા’ને ઈશ્વરનું અદ્ભુત સર્જન કહીને અર્પણ કરવામાં આવી છે.

ક્લાસના બોર્ડ પર લખેલું સુવાક્ય પણ દરવખતે સૂચક છે. પહેલા છેલ્લી બેન્ચે બેસતી અપ્પુ એક શરત પૂરી કરવા, નાની જીદ પૂરી કરવા આગળની બેન્ચે આવવા કમર કસે છે. આગળ આવે પણ છે, ફરી પાછળની બેન્ચે બેસી જાય છે. ગણિતમાં સારા કહી શકાય એવા માર્ક પણ મેળવવા છતાં પાસ થઇને  શું થવાનું ? આગળ ભણાવવાની હેસિયત છે તારી ? એવું માને પૂછી ફરી પડી ભાંગે છે. આખીયે ફિલ્મમાં આમ અપેક્ષાનો ઉતાર ચડાવ આવ્યા કરે છે. અરે, ડાયરેકટરે મા દીકરીનો ઝઘડો થાય ત્યારે સુવાની સ્થિતિ પર એ રીતે દર્શાવી છે. ઓવરટાઇમ કરવાથી મા આંખ નીચેના કુંડાળા પણ તમે જોઈ શકો. ફિલ્મમાં એક સીનમાં હિન્દી વિષયમાં ‘મેરા સપના’ વિષય પર નિબંધ લખવાનો હોય છે, ત્યારે પણ ડાયરેકટરે ઘણું ઝીણું કાંત્યું છે. ફિલ્મમાં અપેક્ષા સાથે ભણતો તેનો એક મિત્ર ડ્રાઈવર બનવાનું સપનું જોવે છે. આ નિબંધ લખવાની ઘટના તેને પોતાના સપના વિશે ફરી વિચારવા મજબુર કરે છે. અપેક્ષાને કોઈ સપનું નથી. એ એમ માને છે કે, ગરીબોને સપના જોવાનો અધિકાર હોતો નથી ! ત્યારે ડાયલોગ આવે છે, ગરીબ વો હૈ જીસકે પાસ અપના સપના નહિ હોતા !! ફિલ્મના કેટલાક સંવાદો ઉર્જાવાન, સૂચક, વિચારપ્રેરક અને ચિનગારી જેવા છે. 

ઓછા માર્ક આવે ત્યારે -  ‘ઇતના બુરા તો ફેઈલ હોનેમેં ભી નહિ લગતા!!’.

હકારાત્મકતા - “ઇન્સાન દો ચીજો સે બનતે હૈ, કિસ્મત ઔર મહેનત. ગરીબ કી કિસ્મત હોતી તો વો ગરીબ ક્યોં હોતા? તો બચી મહેનત, વો હી કર લો!”

શિક્ષકનું બાળકની એક નાની સફળતા પછીનું પ્રોત્સાહક વાક્ય –  “આપ મેરી અપેક્ષા પે ખરી નહિ ઉતરી ઇસકા મુઝે આનંદ હૈ“ 

જિંદગી જીતવાની જડીબુટ્ટી - “સવાલ કા જવાબ સવાલમેં હી હોતા હૈ”

એક માની કેફિયત - “વો તુજ પે અપને સપને થોપ નહિ રહી, ઉસકા તો સપના હી તુમ હો!”

ધીરજ, સફળતાનું ખરું રહસ્ય - “ખાના ધીમી આંચ પે પકેગા, તભી તો સ્વાદ આયેગા !”

આવી તો અનેક વિચારકણિકાઓ ફિલ્મમાં આપણને તરબોળ કરતી રહે છે.  

ફિલ્મનું સ્ક્રીનપ્લે ખૂબ સહજ અને સરળ છે. ફિલ્મ પ્રેરણાનું પૂમડું છે, જેની સુવાસ દર્શકના મસ્તિષ્કને મઘમઘાવી શકવા સક્ષમ છે. ફિલ્મના અંતમાં અપેક્ષા સહાય સિવિલ સર્વિસીઝના ઈન્ટરવ્યુમાં બેઠી હોય છે અને તેણીને સવાલ પૂછવામાં આવે છે કે, તેણી આઈ.એ.એસ. શા માટે બનવા માંગે છે? ત્યારે અપેક્ષાએ આપેલો ઉત્તર આંખના ખૂણાને નહિ આખેઆખી આંખને પલાળી દે, એવો વેધક છે. તેણી કહે છે, “મૈ ઈસલીયે આઈ.એ.એસ. બનના ચાહતી હું ક્યોંકી મૈ ‘બાઈ’ બનના નહિ ચાહતી!”

મોટેભાગે હું શિક્ષકોએ આ કે આવી ફિલ્મો જોવી જોઈએ એવું કહેતો, લખતો હોઉં છું, પણ આ ફિલ્મ શિક્ષકોએ જોવી જોઈએ એટલું જ નહિ, પોતાના વિદ્યાર્થીઓ અને વાલીઓને બતાવવી જોઈએ. વાલીઓએ પણ પોતાના સંતાન સાથે બેસીને જોવી જોઈએ. (ફિલ્મ ઓનલાઈન અવેલેબલ પણ છે.) જોકે આ ફિલ્મ જ એવી છે કે, તમે શિક્ષક, વિદ્યાર્થી, વાલી કાંઈ જ ન હો તો પણ સ્પર્શે જ. આ લખનાર અને લખનારના અર્ધાંગિનીશ્રીએ આ ફિલ્મની જાદુઈ અસર જોઈ છે એટલે કહું છું કે, મારું ચાલે તો, આ ફિલ્મને દરેક શાળાના અભ્યાસક્રમમાં ફરજીયાત મૂકી દઉં. 

:: હોમ વર્ક ::
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના !
- અમૃત ‘ઘાયલ’

એજ્યુકેશન સિસ્ટમ મેગેઝીનમાં પ્રકાશિત થયેલો લેખ આ સાથેની ઇમેજમાં
👇🏻👇🏻👇🏻👇🏻

Monday, 16 April 2018

‘તત્ત્વમસિ’ થી 'રેવા' : Being Manan !

તમે ગાયા આકાશભરી પ્રીતે. 
એ ગીત કહો મારા કહેવાય કઈ રીતે !

            ધ્રુવ ભટ્ટની આ પંક્તિઓ એમના સર્જનો પરના એમના નિસ્પૃહીભાવને  વ્યક્ત કરે છે. ધ્રુવદાદા એટલે એવા લેખક કે જેમની કથાઓમાંથી આપણને અવારનવાર પસાર થવાનું ગમે. એમનું પાત્રાલેખન, કથાશૈલી, વર્ણનશક્તિ અને જીવનવલણ વાચકોને વિચારતા કરી મુકે એવા હોય છે. સંશોધન કરતા શોધ, બહાર કરતા ભીતરની યાત્રા અને મનુષ્યજીવનમાં ધર્મ કરતા સંસ્કૃત્તિનો પ્રભાવ એ તેમના સર્જનોની લાક્ષણિકતા રહી છે. ધ્રુવદાદા એક અચ્છા કવિ પણ છે. એમના ગીતો હોઠે ચડે પછી ક્યારેય ભૂલાય નહી એવા હોય છે. (જોકે, એનો સ્વતંત્ર આસ્વાદ ફરી ક્યારેક :-) ) 

           આપણે એકવાર વાંચેલ પુસ્તકનો અર્થ એ ક્યા સમય અને સંજોગોમાં વાંચેલ છે એના પર નિર્ભર છે, કેમ કે એ જ પુસ્તક બીજીવાર વાંચવામાં આવે એટલે કોઈ નવો જ અર્થ, અલગ જ ભાવ અને નવો જ સંદર્ભ આપણને અનુભવાય! એકના એક પુસ્તકને બીજી વાર વાંચીએ એના કરતા બીજા સ્વરૂપે વાંચીએ એ ઘટના જ ‘નર્મદા’ ( નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી!) છે અને એ બંન્ને સ્વરૂપમાં નદી ‘નર્મદા’ કેન્દ્રમાં હોય એક સ્વરૂપ પુસ્તક અને બીજું ફિલ્મ હોય તો આપણા જેવાને તો ગોળનાં ગાડા! 

           આપને ખ્યાલ આવી ગયો હશે કે હું વાત કરું છે, ધ્રુવ ભટ્ટની નેશનલ એવોર્ડ વિજેતા નોવેલ ‘તત્ત્વમસિ’ અને તેના પરથી બનેલી ફિલ્મ ‘રેવા’ની. ગુજરાતી સાહિત્ય પરથી ગુજરાતી ફિલ્મો બહુ ઓછી બને. આ સાહસનું કામ છે. તાજેતરમાં મિત્ર રામ મોરીની વાર્તા પરથી આવેલી શોર્ટ ફિલ્મ ‘મહોતું’થી ઉભી થયેલું આશાનું કિરણ ફિલ્મ રેવાની રાહ જોવા માટેનું એક કારણ પણ હતું! પ્રસ્તુત છે આ ‘તત્ત્વમસિ’ થી/અને/અથવા ‘રેવા’નો આસ્વાદ !
(આ-સ્વાદ by મનન બુધ્ધદેવ, મોરબી 98798 73873)

          નર્મદા કાંઠે પડેલો, ઘણા દિવસથી ભૂખ્યો તરસ્યો, દાઢી વધેલો સંન્યાસી આંખો ખોલે અને સામે બાર-તેર વર્ષની કન્યા ‘લે, ખાઈ લે’ એવા સંવાદથી એ નાયકની મકાઈનો ડોડવો સામે ધરે અને દૃશ્ય વિલીન થઇ જાય, ને આપણે ભૂતકાળમાં સરી જઈએ. આ ફિલ્મ અને પુસ્તક બંનેની શરૂઆત અહીથી જ થાય. ફિલ્મ અને નવલકથા બંનેમાં નાયકનું નર્મદા કાંઠે આવવાનું કારણ જુદું જુદું છે, મૂળકથામાં (ફરજિયાત આવી પડેલ) સંશોધન માટે જયારે ફિલ્મમાં સંપત્તિ માટે, પણ કૈંક મેળવી લેવાની વૃત્તિ તો કોમન જ છે! 

           ધ્રુવ દાદાની દરેક નોવેલની લાક્ષણિકતા છે કે તેમાં નાયકનું કોઈ નામ હોતું જ નથી. ધ્રુવદાદાનો આશય કદાચ પોતાની જાત ને કે પછી વાચકને સમાનુભૂતીનો ભાવ થાય એવો હોય શકે. ફિલ્મનો નાયક ‘કરન’ (ચેતન ધાનાણી) ફિલ્મના ટાઈટલમાં આવે છે એમ – ‘અ જર્ની વિધીન’ કરતો ફિલ્મમાં જોવા મળે. વિદેશમાં ઉછેરેલો નાયક અને કરન બંનેને પોતાની મૂળ ભારતીયતા અંગે કોઈ ખાસ લગાવ નથી. ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનો ઉપહાસ કરતા પણ ક્યારેક જોવા મળે. નવલકથાની પ્રસ્તાવનામાં ધ્રુવ ભટ્ટ એક પ્રશ્ન મુકે છે, “અલગ ભાષા, જુદા રીતરીવાજો, જુદા ધર્મ અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભાતીગળ પ્રજામાં કંઇક છે જે દરેક માણસમાં સરખું જ જડે છે, તે શું છે ? આનો ઉત્તર મને કદીક, ક્યારેક મળશે...” ફિલ્મમાં આ વિચારને બિટવિન દ સીન્સ(!) રખાયો છે. 

          નવલકથામાં અને ફિલ્મમાં નર્મદા મૈયાને આપણી સાથે સતત વહેતા દર્શાવાયા છે. પુલ પરથી ટ્રેન પસાર થાય છે, ત્યારે ‘નર્મદા’ની એન્ટ્રી થાય છે. ‘નર્મદે હર’ના નાદથી ગુંજી ઉઠતી ટ્રેન આપણી આસ્થાનું પ્રતિક છે. નદીના પાણીમાં સિક્કો પધરાવતા માજીને નાયક (કરન) પૂછે છે, ‘નદી રક્ષા કરે કે ડુબાડે ?’ ને જવાબ મળે ‘એ તો જેવી જેની ભાવના!’ આ સંવાદ નાયકને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે શંકા કરતો દર્શાવવા મુક્યો છે! તો નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ સાથે દલીલો કરતો નાયક આગળ જતા પોતે જ પરિક્રમા કરે છે. આ પ્રકારનો વિરોધાભાસ કૃતિને અને એ પાછળના વિચારને જસ્ટીફાય કરે છે. 

           મૂળ કથામાં રહેલી નાયિકા સુપ્રિયા (સુપરિયા)નું પાત્ર ભજવ્યું છે, મોનલ ગજ્જરે. ફિલ્મમાં દર્શાવેલ નર્મદા આશ્રમમાં તે સંયોજક છે. મૂળકથામાં આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવે છે. તેના વિશે નાયક પહેલા જુદી જ કલ્પના કરે છે પણ તેને રૂબરૂ મળીને તેના તરફ આકર્ષાય છે. મોનલ ગજ્જરે સરસ અભિનય કર્યો છે. આશ્રમમાં પોતાના માતાપિતાની સ્મૃતિઓ વચ્ચે રહે છે. ઘણા સમયથી બંધ પડેલ સંગીત જલસો તે ફરી શરૂ કરાવવા ઈચ્છે છે. નિસ્વાર્થ ભાવે આશ્રમની સેવા કરે છે. સુશિક્ષિત છે. મહાભારત વાંચે છે. સારું ગાય છે. ફિલ્મમાં તેનું ડ્રેસિંગ તેના વ્યક્તિત્વને વધુ નીખાર આપે છે. તેણી લાગણીશીલ છે, તેની સાથે કરન છળ કરે છે, તે તેણી સહન કરી શકતી નથી. તેના હદયમાં આદિવાસીઓ અને તેમની પરંપરા પ્રત્યે અપાર પ્રેમ છે. 

           ફિલ્મમાં મૂળકથાનાં બીજા કેટલાક પાત્રો ગુપ્તાજી, શાસ્ત્રીજી, પુરિયા, બિત્તુબંગા, ટેમ્પુડીયો, ગંડુ ફકીર વગેરેએ સરસ કામ કર્યું છે, તો લ્યુસી, તુષાર, જીમી સહિતના કેટલાક પાત્રો ફિલ્મમાં સ્થાન પામ્યા નથી. શાસ્ત્રીજીના પાત્ર દ્વારા ધ્રુવ દાદાએ પોતાની વાત કહી હોય એવું નવલકથા વાંચીને લાગેલું અને ફિલ્મમાં પણ શાસ્ત્રીજીનું પાત્ર એકદમ પરિપક્વતાપૂર્ણ છે. ‘ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલે પણ શ્રદ્ધા હોવી જોઈએ.’ ‘લોકો પરિક્રમાવાસીઓની નહિ પરિક્રમાની પરંપરાની સેવા કરે છે.’ ‘આપણે ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહિ’ જેવા કેટલાક વનલાઈનર્સ એમના પાત્રને ઉંચાઈ આપે છે, તો તબલા વગાડતા શાસ્ત્રીજી ધર્મને વિજ્ઞાન સાથે જોડી દેતા પણ દેખાય ! 

            ફિલ્મનું બીજું એક પાત્ર છે, પુરિયા! તે આશ્રમવાસી છે, તેને બાળકો ખુબ જ ગમે છે. તે ફિલ્મમાં કરનને મળતું આશ્રમનું પ્રથમ પાત્ર છે. ફિલ્મમાં તેની એન્ટ્રી એક ગીત સાથે થાય છે. ‘કાળો ભમ્મરિયાળો જામો, પહેરાવો કાળા કા’નને!’ આ ગીત કર્ણપ્રિય છે, ને માર્મિક પણ છે. ફિલ્મમાં પુરિયાને તેનો પતિ સંતાન ન આપી શકવાને કારણે ‘બાંઝ’ કહીને કાઢી મુકે છે ને એ જ પુરિયા બાળકૃષ્ણનું કીર્તન કરે !! એ જ પુરિયા પર તેના ભાઈના સંતાનને મારી નાખવાનું આળ આવે!! ધ્રુવદાદા ઉપરાંત ડાયરેક્ટરને પણ આ સિચ્યુએશન પાછળના સિમ્બોલીઝ્મ માટે ફૂલ માર્ક્સ આપવા પડે. (આ ગીત અંગેનું આ સુક્ષ્મ અવલોકન મારા શ્રીમતીજી તૃપ્તિ બુધ્ધદેવને આભારી છે.) 

         મૂળ કથામાં અને ફિલ્મમાં કેટલાક ફેરફાર પણ જોવા મળે છે. જેમ કે નર્મદા મૈયાની સાડી ઓઢાડવાનો સીન ફિલ્મમાં અદ્ભુત રીતે સમાવાયો છે. વાઘના હુમલાથી બિત્તુબંગામાંથી એકનાં મૃત્યુ બાદ તેની સાથે બદલો લેવાની ઘટના ફિલ્માં લેવામાં નથી આવી, તેને બદલે સંગીત દ્વારા ભાવ વિરેચન મુકાયું છે. રાણીની ગુફા વિશે પણ અલગ દૃષ્ટિકોણ મુક્યો છે, તો નાયકના માતા પિતા અંગેનો સબપ્લોટ ફિલ્મને વધુ કન્ક્લુસિવ બનાવે છે. 

        નર્મદાની પરિક્રમામાં કરવાનું નક્કી કરનાર નાયક સંશોધકમાંથી જીવન રહસ્ય શોધક બની રહે છે. સૃષ્ટિનું કોઈ ચાલકબળ છે, તે મનુષ્યની ભીતર રહેલો ઈશ્વર છે, ‘તે તું જ છે – તત્ત્વમસિ’ આ વિચાર ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલો છે. ફિલ્મમાં ધ્રુવ ભટ્ટનાં વિચારોનું ઉર્ધ્વીકરણ પણ દર્શાવ્યું છે. પોતાની સંપત્તિ મેળવવા આવેલો નાયક બધું ત્યાગી આશ્રમવાસી બની જાય છે અને તમામ સંપત્તિ આશ્રમને આપી દ્યે છે, તો ‘આ જીવનનું રહસ્ય જાણી લીધા પછી સમાજની વચ્ચે રહી કર્મો કરતા રહેવું જોઈએ’ એવો સંદેશ પણ ફિલ્મ આપણને આપી જાય છે. 

         ધ્રુવદાદાએ આ મૂળકથાનું નામ પહેલા ‘પ્રતિગચ્છતિ’ વિચારેલું. ‘ઈશ્વર એક જ છે, ભલે કોઈપણને ભજો’- એવા અર્થમાં હોવાથી મનુભાઈ પંચોળી ‘દર્શક’એ આ નામ મૂળ વિચારને ન્યાય નથી કરતું એમ કહ્યું અને પછી ધ્રુવ ભટ્ટના મિત્ર મહેન્દ્ર ચોટલીયા તથા અન્ય મિત્રોએ ભેગા થઇને નામ અપાયું ‘તત્ત્વમસિ’. 

            એક સમયે દેવદાસ ફિલ્મનાં લેખકે ‘સમુદ્રાન્તિકે’ પુસ્તક પરથી લખેલી ફિલ્મસ્ક્રિપ્ટ રીજેક્ટ કરનાર ઘ્રુવ ભટ્ટે પણ આ ફિલ્મના સર્જકોને ઘણી છૂટ આપી છે, જે સર્જકોની આ કામ કરવા પાછળની મહેનતનું સૂચક છે. 

            આમ, તત્ત્વમસિથી રેવા સુધીની યાત્રા ‘સ્વ’ની શોધયાત્રા બની રહે છે, પુસ્તક અને ફિલ્મ બંનેનાં અંતે આપણે નર્મદા મૈયાની પરિક્રમા કરી હોય એવું અનુભવી શકાય છે. મરાઠી કે બંગાળી ભાષામાં બનતી ફિલ્મોના વખાણ કરતા આપણે આપણી માતૃભાષાની અમર સાહિત્યકૃતિ પરથી બનેલી આ ફિલ્મને વધાવવી જોઈએ. ‘ગુજરાતી ફિલ્મ જગત પોતાના કલેવર બદલી રહ્યું છે’- આ ફિલ્મ ‘રેવા’ એનો તાજેતાજો પુરાવો છે. 

#ગમતો_શેર
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું, 
પળમાં પળ ગુંથીને તું વારતા વણે ને એને જીવતરનું નામ દઉં હું! 
- ધ્રુવ ભટ્ટ

Tuesday, 26 December 2017

લવની ભવાઈ

જ્યારે તમને કોઈ ગમેને....
ત્યારે બધું ગમવા લાગે..

આ શબ્દો છે ૧૭ નવેમ્બરે રીલીઝ થયેલી નોખી ભાત પાડતી અનોખી ફિલ્મ ‘લવની ભવાઈ’ના.

હોસ્પિટલનાં બિછાને પડેલી ‘માં’ની તબિયત સુધરી જતાં જે હાશકારો અને સંતોષ થાય એવો જ અનુભવ આ ફિલ્મ જોઇને થયો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો માઈલસ્ટોન કહી શકાય, એવી આ ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ ડીરેક્ટર-પ્રોડ્યુસર દંપતિ સંદિપ-આરતી પટેલે જે દિલ રેડ્યુ છે, કાબિલ-એ-દાદ! આ ખાલી ફિલ્મ નથી, સર્જન છે. – દરેક પાસામાં ખરું ઉતરે એવું સર્જન!

મોડી મોડી પણ આ ફિલ્મ તો જોય લીધી જ અને છઠ્ઠા અઠવાડિયા સુધી ગુજરાતી ફિલ્મનો હાઉસફુલ શો જોઈને ગુજરાતી તરીકે છાતી ૫૬ઇંચની થઇ ગઈ. પ્રસ્તુત છે આ ફિલ્મનો આસ્વાદ....

(લવની ભવાઈ - આસ્વાદ by મનન બુધ્ધદેવ, મોરબી 9879873873)

ફિલ્મનાં પોસ્ટર્સ કે ટ્રેલર પરથી કળી શકાય કે પ્રણયત્રિકોણ હશે- સ્ટોરી પ્રેડીકટેબલ જ હશે, અને છે પણ,  તેમ છતાં the way of Presentation લાગણીથી ભરપૂર છે. ફિલ્મનું ટાઈટલ ‘લવની ભવાઈ’ આખા ફિલ્મમાં રજુ થતી ઘટનાઓ કે જે ભવાઈની જેમ જાહેરમાં થાય છે તે રજુ કરે છે. પાત્રોના નામ પણ સૂચક છે. અંતરથી વિચારે તે અંતરા. ફિલ્મમાં સવારનો શો કરતી RJ અંતરા રોજ ઉગતા આદિત્ય (સૂર્ય)થી પોતાના દિવસની શરૂઆત કરે છે, તેનું રોજિંદુ જીવન સૂર્ય ઉગે પછી જ તો શરૂ થાય છે, તો વળી તેને રીફ્રેશ કરે છે સાગર (દરિયો)!! તે તેના હૃદયની ખૂબ જ નજીક છે. અંતરાને એકાંતમાં સાગરની સામે બેસીને પોતાની જાત સાથે વાતો કરવી ખુબ જ ગમે છે. પડદા પાછળ પ્રતીકાત્મક રીતે ઘણું કહેવાયું છે. તો કેટલાક One Liner અમીટ છાપ છોડી જાય એવા છે.

“ગણતરીનાં જ એવા સંબંધો છે, જ્યાં ગણતરી નથી હોતી!”

“પ્લાનિંગથી પ્રોજક્ટ કરાય, જિંદગી થોડી જીવાય !”

“તું કોની સાથે રહેશ ?”-“મારી સાથે”

છેલ્લી ઘણી ફિલ્મોથી પોતાનું અલગ જ સ્થાન બનાવી ચુકેલો મલ્હાર ઠાકર (ફિલ્મમાં 'સાગર'). આ ફિલ્મમાં પણ જોરદાર ખીલે છે. અમદાવાદની પોળમાં રહેતાં મધ્યમવર્ગીય છોકરાનું પાત્ર ખુબ જ ફ્રેશ લાગે છે, ને એની દિલફેંક અદાઓ- જે છોકરી જોવે એ ગમી જાય ! ચોવીસ છોકરીઓ દ્વારા રીજેક્ટ થયેલો ( સાડા અઢારમાં તો વન સાઈડેડ લવ જ હતો!) આ ફૂટડો સાચા પ્રેમને ક્યારે પામી લે છે એની એનેય ખબર નથી પડતી. ડાયલોગ ડીલીવરી અને કોમિક ટાઈમિંગનાં લીધે હાલની તકે તો મલ્હારનો જોટો જડે એમ નથી. અંતરા સાથેની ફોન પરની વાતચીત વાળો સીન એના હાવભાવયુક્ત અવાજને લીધે આંખનાં ખૂણા ભીંજવી દે એવો ઈમોશનલ બન્યો છે.

ફિલ્મનું બીજું મહત્વનું પાત્ર નિભાવ્યું છે પ્રતિક ગાંધીએ ( ફિલ્મમાં ‘આદિત્ય’). પોતાના અભિનયથી તેણે અગાઉ પણ ગુજરાતી ફિલ્મોમાં સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. બિઝનેસમેનનાં તેના આ પાત્રમાં એ સોફેસ્ટીકેટેડ લાઈફ જીવે છે. ( જોકે, એ શેનો બિઝનેસ કરે છે એ આખા મુવીમાં ખબર પડતી નથી) ફિલ્મની નાયિકા અંતરાને પ્રપોઝ કરતા સીનમાં એણે સખત અભિનય કર્યો છે. (આપણને લાગી જ આવે કે એ રીજેક્ટ થવાનો છે ;-) ને કહેવાનું મન પણ થઇ જાય કે, ‘બકા, આ બિઝનેસ ‘ડીલ’ નથી, દિલ છે !) તો અંતરાનો “yes:)” એવો મેસેજ વાંચીને એણે એકપણ શબ્દ બોલ્યા વગર જે અભિનય કર્યો છે એ પણ યાદગાર.

ફિલ્મની નાયિકા છે આરોહી પટેલ(અંતરા). ફિલ્મમાં એ રેડિયો જોકી છે. સવારે ઉઠવું ગમતું નથી અને સવારનો જ શો કરે છે ! આખાબોલી અંતરાના શો નું નામ છે ‘લવની ભવાઈ’. આખા અમદાવાદના લવ પ્રોબ્લેમસ સોલ્વ કરતી અંતરાનું અંગત જીવન જયારે ગૂંચવાઈ છે ત્યારે શરૂ થાય છે રિઅલ લવની ભવાઈ. વર્ષો સુધી ફિલ્મમાં આવતી ગુજરાતી નારીની ઈમેજ તેણે સાવ ભૂંસીને નવી આધુનિક યુવતીની જીવનને જીવવાની ફિલસુફી આપણી સામે મૂકી છે. ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર એના રીઅલ લાઈફના મમ્મી-પપ્પા છે, તેમ છતાં ખુબ જ comfortly તે પોતાના રોલને ન્યાય આપી શકી છે. સ્લીવલેસ અને શોર્ટ્સ પહેરતી, બસમાં અજાણ્યા છોકરા સાથે ઇઅરફોન શેર કરતી, હોટેલનું બિલ જાતે ચુકવતી ને જેવી છે તેવી પ્રામાણિક રીતે જીવતી આ અંતરાનું પાત્ર આમ જુઓ તો રહસ્યમય છે, ફિલ્મમાં કેટલાક સવાલોના જવાબ અકબંધ છે. કદાચ એ જ એના જીવનને આવું જીવવા જેવું બનાવે છે !

ફિલ્મમાં આવતા અન્ય પાત્રોએ પણ દમદાર પરફોર્મન્સ આપ્યું છે. ખુદ પ્રોડ્યુસર આરતી પટેલ અંતરાના બોસ ‘K’ (ક્રિષ્ના)ના રોલમાં છે. પ્રખ્યાત લેખિકા પ્રતિભા રાયની બુક ‘દ્રૌપદી’ વાંચતા વાંચતા એક સીનમાં અંતરા ભાંગી પડે છે ત્યારે કૃષ્ણએ દ્રૌપદી કે અર્જુનને આપેલું એવું જ આશ્વાસન એ અંતરાને આપે છે. બીજા થોકબંધ પાત્રોની વચ્ચે સાગરના મિત્ર તરીકે મૌલિક નાયક ( અહિ ‘મેહુલ’) અલગ જ સ્થાન ઉભું કરે છે. સ્ક્રીન પર તેની હાજરી પણ આપણને હસાવતી રહે છે. તો તારક મહેતા ફેઈમ ‘નટુકાકા (ઘનશ્યામ નાયક)ને ભજવેલો નાનો રોલ પણ ખુબ જ સરસ છે. ભવાઈ માટે પ્રખ્યાત એવા આ નટુકાકાએ ઐશ્વર્યા રાયને ‘હમ દિલ દે ચુકે સનમ’માં ભવાઈ શીખવાડેલી. ડીરેક્ટર સંદિપ પટેલે આ રોલ થકી ભવાઈનું આડકતરી રીતે સન્માન જાળવ્યું છે. 'મમ્મીનાં હાથના થેપલા' ને 'ભૂરાની ચા' પણ આખા ફિલ્મમાં પાત્રની જેમ જ આપણી સાથે રહે છે અને કવિ તુષાર શુક્લનો ગેસ્ટ અપીરીઅન્સ તો સોને પે સુહાગા ! 

ફિલ્મ જેટલી સરસ છે એટલું જ મજ્જાનું છે તેનું સંગીત. આજના યુવાનોની જીભે ગુજરાતી ગીતો ચડાવવાનું શ્રેય ‘સચિન-જીગર’ને ફાળે જાય છે. ફિલ્મના દરેક ગીત વારંવાર સાંભળવા ગમે તેવા છે. આ સંગીતકાર જોડી એ ભવાઈની ‘તા થૈયા થૈયા તાં થૈ’ કડીને રીક્રીએટ કરીને આજની પેઢીને ગમતીલું સંગીત કમ્પોઝ કર્યું છે. તમામ ગાયકોએ ખુબ જ સુંદર રીતે ગીતો ગાયાં છે અને એટલાં જ સંવેદનાસભર ગીતો લખ્યા છે નીરેન ભટ્ટએ. ‘વ્હાલમ આવોને’ ગીતમાં છેલ્લે આવતો Crescendo ( ધીમે ધીમે તીવ્ર/ઉત્કટ થતું સંગીત) લાજવાબ છે. (એના શબ્દો આ લેખને અંતે ગમતો શેરમાં) અને મહત્વની વાત તો એ છે કે આ ફિલ્મમાં ક્યાંય ગીતને ફિટ કરી દિધા હોય એવું લાગતું જ નથી. વાર્તાની માવજત સાથે ગીતોને સહજતાથી મુકેલા છે, ઉલટાનું પાત્રના મનની વાતો ગીત દ્વારા આપણા સુધી પહોંચે છે. ‘ધૂન લાગી’- ગીતની વિશેષતા એ છે કે નવો નવો પ્રણય થયો હોય એનેય ગમે, પ્રણયમાં ગળાડૂબ હોય એનેય ગમે ને પ્રણયભંગ થઈ ગયો હોય એનાય દિલોદિમાગ પર છવાઈ જાય !!

મિતાઈ તુષાર શુક્લ અને RJ નેહલ બક્ષીએ લખેલી આ ફિલ્મ અર્બન ગુજરાતી સિનેમાની નવી પેઢીની પરિપક્વતા દર્શાવે છે, તો સીનેમેટોગ્રાફર તરીકે તપન વ્યાસ પણ આનંદ કરાવી જાય છે. આમ, આખું ટીમવર્ક આ ફિલ્મને ફિલ્મ ન રહેવા દેતા એક સર્જન બનાવે છે !

જો તમે આ લેખ વાંચી શકતા હોવ અને આ ફિલ્મ ન જોઈ હોય તો તમારા જેવું કમનસીબ બીજું કોઈ નથી. જલ્દીથી જોઈ આવો આ માસ્ટરપીસ મુવીને !

I love you રે મારી ગુજરાતી મૂવીની સવાર !!

‘લવની ભવાઈ’નો બીજો ‘વેશ’ આવે એની રાહમાં એક પાક્કો ગુજરાતી.....
- મનન બુધ્ધદેવ – મોરબી
meet me on FB : Master Manan

:: ગમતો_શેર ::
યાદોનાં બાવળને આવ્યા ફૂલ રે હવે,
તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે !
સપના, આશા, મંછા, છોડ્યા મૂળ રે હવે
તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે !
-નીરેન ભટ્ટ

(નોંધ : આ લેખને નામ સાથે જ શેર કરશો.)

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...