Monday, 25 June 2018

#ગમતો_શેર : ૧૧

#ગમતો_શેર :
     આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
     ‎
गुफ़्तगू उनसे रोज़ होती है,
मुद्दतों सामना नहीं होता |
                      - બશીર બદ્ર

વર્તમાન ઉર્દુ શાયરોમાં બશીર બદ્ર ગઝલની પરંપરામાં રહીને પોતાની પ્રયોગાત્મકતા કેળવવા માટે જાણીતા છે. એમની ગઝલોમાં હંમેશા શબ્દો અને કલ્પનોનું નવોન્મેષણ થતું હોય છે!

આ શેરમાં શાયરે કરેલી વાત દાદ માગી લે એવી છે. કોઈની સાથે ગુફ્તગૂ (હળવા અવાજમાં થતી અંગત વાતો) તો કાયમ થાય છે. પહેલાંના સમયમાં પ્રિયત્તમાની તસવીર સાથેય વાતો કરતાં, અરે! તસવીરોય વાતો કરતી એવું લાગતું. પ્રેમીઓ છુપી છુપીને મળતાં પણ ખુલ્લેઆમ ન મળી શકતાં. સામસામે એકબીજાની આંખમાં આંખ પરોવીને સામનો નથી થતો. શાયર કહે છે, એ ઘટનાને કેટલો સમય થયો જયારે રૂબરૂ મળ્યાં હોય!

બશીરજીએ આ શેર લખ્યો ત્યારનો સંદર્ભ કૈંક એવો હશે. હાલમાં પણ આ શેર કેવો લાગુ પડે!! વ્હોટ્સએપ કે મેસેન્જરમાં ગુફ્તગૂ તો અવારનવાર હોય પણ છડેચોક કોઈને મળી શકાય એવું શક્ય બને છે ખરું!! એવું પણ કહી શકાય કે, કોઈને મળવાનો કોઈને સમય જ નથી.

આપણે ઈનલાઈન નથી રહી શકતાં, એટલે ઓનલાઈન રહેવાતું હોય છે!

છે ને એક શેરની સમયાનુસારની પ્રસ્તુતતા!

જીઓ... શાયર ❤

#ગમતો_શેર : ૧૦

#ગમતો_શેર :
     આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કૈંક મારામાં જડતું રહે છે!
               - ડૉ. વિવેક મનહર ટેલર

નવી પેઢીના ગઝલકારોની કલમે ગુજરાતી ગઝલ કેવી ફૂલીફાલી રહી છે, એ કવિ વિવેક ટેલરના આ શેર પરથી કળાય છે. જેમનું ગીત મહારાષ્ટ્ર રાજ્યના ધોરણ દસના પાઠ્યપુસ્તકમાં સમાવાયું છે, એવા કવિ વિવેક ટેલર 'લયસ્તરો.કોમ'નું સંચાલન પણ કરે છે.

આ શેરમાં કવિની દુનિયાદારીની દૃષ્ટિ દેખાઈ છે. જગતની કનડવાની આદત શાશ્વત છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ, તો એવો કોઈ વ્યક્તિ નહીં હોય, જેને જગતે દુઃખ કે પીડા ન આપી હોય. અહીં કોને તકલીફ નથી. જગત પ્રત્યે દરેકને પોતાના આગવા અણગમાઓ અને આગવી ફરિયાદો તો હોવાની જ.

જેમ છાશને વલોવવાથી માખણ મળી આવે, એમ માણસને વલોપાતથી વિશ્વાસ મળી રહેતો હોય છે! એ વિશ્વાસ જાત પરનો! કહ્યું છે ને, કે ઘસાઈને ઉજળા થવાય. કવિ કહે છે, કે જે ક્ષણે મને કંઈ ગમ પડે છે, ત્યારે જીવનમાં નવી ગતાગમ પણ પડે છે! પીસાવામાં પણ કૈંક પાસે આવતું હોય જ છે! પણ આ બધું સભાનપણે ઓળખવું પડે. નિષ્ફળતાય શીખવે છે કે, કેમ નિષ્ફળ ન થવું!

છે ને કવિ વિવેકની જીવન વિશેની વૈચારિક વિવેકબુદ્ધિ!

જીઓ... શાયર! ❤

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...