Monday, 26 March 2018

હિચકી

आम टीचर पढ़ाता है, अच्छा टीचर समझाता है 

और बहुत अच्छा टीचर करके दिखाता है, 

लेकिन कोई खास टीचर आपकी प्रेरणा बन जाता है, जिसे आप पूरी जिंदगी नहीं भूल पाते।


આ શબ્દો છે, તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ હિચકીના........ 

ફિલ્મના પ્રોમોસ જોયા ત્યારથી જ નક્કી કર્યું કે આ ફિલ્મ તો જોવી જ છે. ફિલ્મના પોસ્ટર પર રહેલું રાની મુખર્જી ચોપરાનું કટ આઉટ અને તેની આસપાસ બોલપેનથી કરેલ કોતરકામ શાળાના દિવસોની યાદ અપાવી ગયું ને ખાત્રી પણ થઇ કે, આ આપડો ટેસ્ટ છે. 
(હિચકી - આ-સ્વાદ by મનન બુધ્ધદેવ, મોરબી, 98798 73873)

મુવી તો ઘણાં જોવાય છે, અને ઘણાં ગમેય છે, પણ કેટલાક મુવી જ લખાવે છે. આ હિચકી એ પૈકીનું છે. એટલે નહિ કે આ એજ્યુકેશન ફિલ્ડ પર છે. એના પર તો થોડા જ સમય પહેલા ‘નીલ બટ્ટે સન્નાટા’ કે ‘હિન્દી મીડિયમ’ પણ આવી ગયેલાં. પણ આ હિચકી યશરાજ ફિલ્મસે એજ્યુકેશન સીસ્ટમને ભરેલો ‘ચીંટીયો’ છે. 

જો તમે આ ફિલ્મ જોઈ લીધી છે, તો જરૂર વાંચજો એક શિક્ષક આ ફિલ્મને કેવી રીતે જુએ છે અને આ ફિલ્મ તમે જો ન જોઈ હોય તો વાંચીને જોવી જ પડશે! 

  • ફિલ્મમાં રાની શિક્ષકના રોલમાં છે. તેણીને કોઈ સ્કુલ નોકરી આપતી નથી, કારણ કે તેણીને ટુરેટ સિન્ડ્રોમ છે, એવી સ્થિતિ કે જેમાં ન્યુરોલીજીકલ ડીસઓર્ડરને લીધે વ્યક્તિ ‘ચક.. ચક.. ચક’, ‘વા...વા...વા...’ જેવા વિચિત્ર અવાજો કાઢે, એને સતત હિચકી આવ્યે રાખે. રાનીની આ વ્યથા કે ખામીને લીધે તેણીને ઘણું સહન કરવું પડ્યું છે. તેના પિતા પણ તેણીને આ ખામી સાથે સ્વીકારી શકતા નથી, રાનીનો ભાઈ અને તેની માતા તેને સાથ આપે છે. તેના પિતા ત્રણેયને છોડી અલગ રહેવા જતા રહે છે. 
  • M.Sc., B.Ed. થયેલી રાની શિક્ષક જ બનવાનું નક્કી કરી લે છે, તેણી પાર્ટ ટાઈમ એનિમેશન ડિઝાઈન પણ કરે છે, બેંકની જોબ સ્વીકારતી નથી અને શિક્ષક થવા પ્રત્યનો ચાલુ રાખે છે. 
  • હવે થાય છે એવું કે, St. Notkar’s સ્કુલમાં અડધા સત્રમાં શિક્ષકની જરૂર પડે છે. જરૂર એટલાં માટે પડે છે કે RIGHT TO EDUCATION અંતર્ગત શાળામાં શરુ કરાયેલાં 9F ક્લાસમાં કોઈ શિક્ષકને એ વર્ગના બાળકો ટકવા જ દેતાં નથી. અને સ્કુલ મેનેજમેન્ટ રાનીની આ ખામી હોવા છતાં તેણીને ચેલેન્જરૂપે આ કામ આપે છે. રાનીને જયારે ફોન પર નોકરી મળ્યાના સમાચાર આવે છે, તે ક્ષણ મને મારી વિદ્યાસહાયકની જોબ મળી એ ક્ષણ યાદ કરાવી ગઈ. 
  • રાનીને એ જ સ્કુલમાં નોકરી મળી જ્યાં તેણી ભણતી હતી અને એ જ શાળા કે જ્યાં તેણીને એકવાર પ્રિન્સીપાલ સર એ એસેમ્બલીમાં સ્ટેજ પર બોલાવીને તેણીનાં આવજો કરવાના કારણ વિશે પૂછ્યું અને બધાને તેના પ્રત્યે સારો વ્યવહાર કરવા આડકતરી રીતે સમજાવ્યા. જે શાળાએ રાનીને બાળપણમાં આત્મવિશ્વાસ આપ્યો તેનું ઋણ અદા કરવાનો અવસર તેણીને મળ્યો અને ૨૫ વર્ષ એ જ શાળામાં પ્રિન્સિપાલ તરીકે રીટાયર્ડ થાય છે. 
  • રાની એ એવા વર્ગને સાચવવાનો હતો જેણે છેલ્લાં છ માસમાં છ શિક્ષકોને નોકરી મુકાવી હતી. આ ક્લાસ એટલે ૧૪ વિદ્યાર્થીઓ જે અત્યંત ગરીબ વર્ગમાંથી આવે છે. તેઓને RIGHT TO EDUCATION અંતર્ગત સામાન્ય ક્લાસમાં જ બેસાડવાના હોય પણ શિક્ષકો કે બીજા વિદ્યાર્થીઓ તેમને સ્વીકારી નથી શક્યા અને સતત ઉપેક્ષાને લીધે આ વર્ગ શાળામાં તોફાનની હદ વટાવી નાખે છે. 
  • રાનીએ છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે જોબ મેળવવા પ્રયત્નો કર્યા હતા. ૧૮ શાળામાંથી શિક્ષક તરીકે રીજેક્ટ થયેલી રાની (નૈના માથુર) આ વર્ગને સાચવવા બધું જ કરી છૂટે છે. લાગણીઓથી જીતી લે છે, આ વર્ગને. ‘જે મળે તેની કિંમત કરતા શીખો’ શિક્ષકોને આ બોધપાઠ છે. 
  • રાનીનો આ વર્ગ સાથેનો પ્રથમ દિવસ..... રાનીનું વર્ગમાં પહેલું વાક્ય ‘ક્લાસ, એજ્યુકેશન ચાર દીવાર ઓર છઃ ઘંટોમેં સીમિત નહિ હૈ!’ – રાની પોતાનો ફોન નંબર દરેક બાળકને આપે છે. રાનીને હિચકી આવતા ક્લાસ તેની નકલ ઉતારે છે. ને સૌથી સારી નકલ ઉતારનારના રાની વખાણ કરે છે. વર્ગમાં એક વિદ્યાર્થી રાની પર રમુજી ગીત બનાવે છે, સૌના આશ્ચર્યની વચ્ચે રાની તેમાં જોડાય છે અને બધા વિદ્યાર્થી અવાચક!! રાની એક વાક્ય કહે છે, તમારીને મારી હિચકીમાં ફર્ક એટલો જ કે, તમે ધારો ત્યારે આ અવાજ કાઢી શકો અને બંધ કરી શકો પણ હું એ નથી કરી શકતી. 
  • આ ફિલ્મમાં બાળમનોવિજ્ઞાન દરેક ઘટનામાં છલકે છે. આખી સ્કૂલને આ વર્ગની જે ખામી લાગે છે, રાનીને એ જ તેની વિશેષતા લાગે છે. શિક્ષક તરીકે રાનીને અહી ફૂલ માર્ક્સ મળે. માત્ર પી.ટી.સી. કે બી.એડ.ની ડીગ્રી લઇ લેવાથી શિક્ષક નથી થઇ જવાતું..... સ્વભાવે શિક્ષક હોવું અગત્યનું છે. 
  • ‘યે હકલી કિતના દિન ટિક પાયેગી’ – આવી ચર્ચા વિદ્યાર્થીઓ વચ્ચે થાય છે. અરે સટ્ટો રમાય છે ને ખુદ રાની પણ પોતાના પર ૧૦૦ રૂપિયા લગાડે છે, કે હું તો ટકી જ જવાની.... જાણે કહેતી ન હોય.... પંખોસે કુછ નહિ હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ!! 
  • વિદ્યાર્થીઓ રાનીને જોબ છોડાવવા મજબુર કરવા અનેક તોફાન કરે છે. ચોકમાં દીવાસળી રાખીને રાનીને ભડકાવી દ્યે, તુટેલી ખુરશી પર બેસાડી નીચે પાડે, ફોન નંબરને કોલ સેન્ટરનો નંબર જાહેર કરી પરેશાન કરે, વર્ગમાં ધુમાડો કરી બધા નાસી છૂટે, સ્કુટરમાંથી પેટ્રોલ કાઢી નાખે !! ( આપડેય બાળપણમાં એક બહુ જ ખીજાતા એક ‘સાહેબ’ના સ્કુટરની હવા કાઢી નાખેલી :-) 
  • એકવાર આ વિદ્યાર્થીઓ તોફાન કરી વર્ગની બારીના કાચ ફોડી નાખે છે અને પ્રિન્સીપાલને ફરિયાદ કરવાને બદલે રાની આ કાર્ય એણે પ્રયોગ કરતાં કરતાં ભૂલથી થઇ ગયું એવું કહી વિદ્યાર્થીઓનો પક્ષ લે છે. તેણી પૂરેપૂરું સમજે છે કે આ તોફાની વિદ્યાર્થીઓ પાસે સર્જનાત્મકતા છે, કૌશલ છે, માત્ર જરૂર છે તેને યોગ્ય દિશા આપવાની..... કેવી દૃષ્ટિ..... શિક્ષકત્વ આ જ છે..... ઘટનાને હકારાત્મક દૃષ્ટિકોણથી જોનાર રાની બાળકોના દિલ જીતી લે છે અને બધા નિષ્ફળ પ્રયત્નોને અંતે ક્લાસના બાળકો રાનીને સ્વીકારે છે.
  • આ ફિલ્મમાં એવું પણ ગૂઢ રીતે દર્શાવાયું છે, કે બાળક તો બાળક હોય છે. શિક્ષક દ્વારા થતો ગરીબ-અમીર, હોશિયાર-નબળાનો ભેદભાવ ખુબ ઘાતક હોય છે. શિક્ષક વચ્ચે થતાં ગજગ્રાહ પણ ફિલ્મનો એક ભાગ છે પણ રાનીનો તે અંગેનો અભિગમ ખુબ હૃદયસ્પર્શી છે. કોઈપણ પરિસ્થિતિમાં ઝઝૂમવાની રાનીની શક્તિ પર આપણને માન થઇ આવે. 
  • વાત કરીએ.... રાનીની ‘ટીચિંગ મેથડોલોજી’ની. રાની ઇનોવેટીવ ટીચર છે! ચીલાચાલુ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ‘બોર’નથી કરતી. રમતના મેદાનમાં તો ક્યારેક લાઈબ્રેરીમાં તો ક્યારેક અગાસીમાં રાનીનો ક્લાસ શરુ થાય છે. રાની બાળકની આખમાં સપના વાવે છે! તેણી મોટીવેટર છે. પુસ્તકો વાંચે છે. ભરપુર જીવવાની વાતો કરવાને બદલે ભરપુર જીવી જાણે છે. 
  • National Curriculum Framework – NCF ની કેટલીક પાયાની બાબતો ડાયરેક્ટરએ દર્શાવી છે. વિષયો વચ્ચેની દીવાલ નીચી કરવી, શિક્ષણને શાળા બહારના જીવન સાથે જોડવું, જ્ઞાનનું સર્જન, સ્થાનિક સ્રોતોનો ઉપયોગ અને બીજું આવું તો ઘણું બધું રાનીના વર્ગવ્યવહારમાં આપણને દેખાય આવે. 
  • પેરેન્ટ્સ મિટીંગમાં કોઈ વાલી આવતા નથી ત્યારે તેમના ઘરે જાય છે. મા-બાપની આંખમાં રહેલાં સપનાઓ નજીકથી જુએ છે. પોતે જ પોતાની જાતને આ રીતે પ્રેરણા આપે છે. 
  • રાની કોઈકવાર બાળકોથી રિસાઈ પણ જાય છે. કોઈવાર નાળીયેર જેવી બહારથી કઠોર તો અંદરથી કોમળ. રાનીને પુરેપુરી ખબર છે, કે તેણે શિક્ષક તરીકે શું કરવાનું છે અને શું 'નથી' કરવાનું!! શિક્ષક તરીકે એ વિદ્યાર્થીની વ્યક્તિગત ભિન્નતા જાણે છે ને એને જ તેમની વિશેષતા સ્વરૂપે રૂપાંતરિત કરે છે. 
  • ‘શિક્ષકનું કામ વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ કેળવવાનું છે.’- આ માટે રાની એક કાગળમાં વિદ્યાર્થીઓને પોતાની નબળાઈઓ અને ડર લખાવે છે અને શાળાની અગાસી પર જઈને એજ નબળાઈ લખેલા કાગળનું વિમાન બનાવી તેને ઉડાડી દેવા કહે છે. – આ સીન આપણી આંખોના ખૂણા ભીના કરી નાખે એવો છે. 
  • વિદ્યાથીઓ જે પરિવેશમાંથી આવે છે, જે પરિસ્થિતિમાં તેઓ રહે છે તેઓનું તેને ગૌરવ છે. તેઓમાં તેના પ્રત્યે સુગ કે શરમ નથી. – ડાયરેક્ટરે આ બાબત ઈરાદાપૂર્વક દર્શાવી છે, તો ટીનેજરનો મનોસ્થિતિ પણ બેધડક રીતે ફિલ્માવાઈ છે. – આઈ.એમ.કલામ મુવીમાં રહેલો છોકરો અહી આતિશના રોલમાં છે. તેણે જ નહિ દરેક પાત્ર એ જીવ રેડીને કામ કર્યું છે. 
  • રાનીની મેં જોયેલી ફિલ્મોમાં આ હિચકીને હું ‘’શ્રેષ્ઠ એક્ટિંગ’નો એવોર્ડ આપું. નેશનલ એવોર્ડ પણ મળે તો નવાઈ પામવા જેવું નથી. રાની દરેક તબક્કે જયારે હિંચકી ખાઈ છે, શું અભિનય કર્યો છે. હાવભાવ, બોડી લેન્ગવેજ અને આંખોથી રાની એ દિલ જીતી લીધું!! 
  • ને એમાંય એક શિક્ષક કહે છે કે, ‘યે બચ્ચો કો સંભાલના આપકે બસકી બાત નહિ’, ત્યારે રાની જે હિચકી ચડે છે, રડે છે, ભાંગી પડે છે, પોતાની જ હથેળીને બટકા ભરે છે, પોતાના જ ગાલ પર ફડાકા મારે છે...... આપણને પણ રડાવી જાય છે. 
  • આ હિચકી આપણને આપણા શાળા સમયના પ્રિય શિક્ષકની યાદ કરાવી જાય છે. જે રીતે રાનીનું બોન્ડીંગ તેના વિદ્યાર્થીઓ સાથે થયું છે. કાબિલ-એ-દાદ...... 
  • કેટલાક સંવાદોમાં પણ આપણને શિક્ષણશાસ્ત્ર છલકાતું દેખાય : 
‘There are no bad students only bad teachers!’
(શીખવાની પ્રક્રિયા વિશે કહેવાય છેને કે, બચ્ચે સ્લો નહિ હોતે, ટીચર સ્લો હોતે હૈ.) 

“ I was born to be a teacher!”

“ટીચર બનકે કિતના કમા લોગી ?”
“પાપા, આપકા કોઈ ફેવરીટ ટીચર રહા હૈ સ્કુલમેં?” 
“જી, હાં અફકોર્સ રહા હૈ” 
“ઉનકી સેલેરી કિતની થી ક્યા યે માલુમ હૈ આપકો??” 
(છે ને જબરદસ્ત કટાક્ષ! – બાળકોના પ્રિય હોવાથી મોટી કોઈ ઉપલબ્ધિ જ નથી) 

  • થ્રી ચીયર્સ ફોર આદિત્ય ચોપરા ઓલ્સો..... આ મુવી માટે ડાયરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ મેલ ટીચરને કેન્દ્રમાં રાખીને ફિલ્મ વિચારેલી પણ ફિમેલ કેરેક્ટરને લઈને આ મુવી બનાવવાનો આઈડિયા આદિત્યનો હતો અને ‘રાનીને આ મુવીથી વધારે સારું કમબેક કોઈ જ મુવી આપી ન શકત.’-એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી. 
  • રાની જયારે ફિલ્મમાં રીટાયર્ડ થાય છે, ત્યારે તેને બધા વિદ્યાર્થીઓ વિદાય આપે છે. શાળાના છેલ્લા દિવસે રાની વોકિંગ સ્ટીકથી ચાલે છે. આ સીનમાં રાનીએ આંખોથી ઘણું બધું કહ્યું છે. એક વાક્ય આવે છે, 'કુછ હિચકીયાં સુનાઈ નહિ દેતી!’ – જી હા, કેટલુક એવું હોય છે, વર્ણવી શકાતું નથી..... શિક્ષકને મન એથી મોટી ક્ષણ કઈ હોય કે એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેને વિદાય આપવા આવે...... જો તમે શિક્ષક છો અને આ સીનમાં રડી ના પડો તો રાજીનામું આપી દેવું ! 

(ક્લાઈમેક્સ સીન જોઇને તરત જ યાદ આવેલો)
ગમતો_શેર :: 
आसमानों की तरफ फेर दिया है मैंने 
चंद मिट्टी के चरागों को सितारा करके 
-ડૉ.રાહત ઇન્દૌરી

(મુવી તથા લેખ વિશેનો આપનો અભિપ્રાય કમેન્ટમાં જણાવશો.)

Tuesday, 26 December 2017

લવની ભવાઈ

જ્યારે તમને કોઈ ગમેને....
ત્યારે બધું ગમવા લાગે..

આ શબ્દો છે ૧૭ નવેમ્બરે રીલીઝ થયેલી નોખી ભાત પાડતી અનોખી ફિલ્મ ‘લવની ભવાઈ’ના.

હોસ્પિટલનાં બિછાને પડેલી ‘માં’ની તબિયત સુધરી જતાં જે હાશકારો અને સંતોષ થાય એવો જ અનુભવ આ ફિલ્મ જોઇને થયો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો માઈલસ્ટોન કહી શકાય, એવી આ ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ ડીરેક્ટર-પ્રોડ્યુસર દંપતિ સંદિપ-આરતી પટેલે જે દિલ રેડ્યુ છે, કાબિલ-એ-દાદ! આ ખાલી ફિલ્મ નથી, સર્જન છે. – દરેક પાસામાં ખરું ઉતરે એવું સર્જન!

મોડી મોડી પણ આ ફિલ્મ તો જોય લીધી જ અને છઠ્ઠા અઠવાડિયા સુધી ગુજરાતી ફિલ્મનો હાઉસફુલ શો જોઈને ગુજરાતી તરીકે છાતી ૫૬ઇંચની થઇ ગઈ. પ્રસ્તુત છે આ ફિલ્મનો આસ્વાદ....

(લવની ભવાઈ - આસ્વાદ by મનન બુધ્ધદેવ, મોરબી 9879873873)

ફિલ્મનાં પોસ્ટર્સ કે ટ્રેલર પરથી કળી શકાય કે પ્રણયત્રિકોણ હશે- સ્ટોરી પ્રેડીકટેબલ જ હશે, અને છે પણ,  તેમ છતાં the way of Presentation લાગણીથી ભરપૂર છે. ફિલ્મનું ટાઈટલ ‘લવની ભવાઈ’ આખા ફિલ્મમાં રજુ થતી ઘટનાઓ કે જે ભવાઈની જેમ જાહેરમાં થાય છે તે રજુ કરે છે. પાત્રોના નામ પણ સૂચક છે. અંતરથી વિચારે તે અંતરા. ફિલ્મમાં સવારનો શો કરતી RJ અંતરા રોજ ઉગતા આદિત્ય (સૂર્ય)થી પોતાના દિવસની શરૂઆત કરે છે, તેનું રોજિંદુ જીવન સૂર્ય ઉગે પછી જ તો શરૂ થાય છે, તો વળી તેને રીફ્રેશ કરે છે સાગર (દરિયો)!! તે તેના હૃદયની ખૂબ જ નજીક છે. અંતરાને એકાંતમાં સાગરની સામે બેસીને પોતાની જાત સાથે વાતો કરવી ખુબ જ ગમે છે. પડદા પાછળ પ્રતીકાત્મક રીતે ઘણું કહેવાયું છે. તો કેટલાક One Liner અમીટ છાપ છોડી જાય એવા છે.

“ગણતરીનાં જ એવા સંબંધો છે, જ્યાં ગણતરી નથી હોતી!”

“પ્લાનિંગથી પ્રોજક્ટ કરાય, જિંદગી થોડી જીવાય !”

“તું કોની સાથે રહેશ ?”-“મારી સાથે”

છેલ્લી ઘણી ફિલ્મોથી પોતાનું અલગ જ સ્થાન બનાવી ચુકેલો મલ્હાર ઠાકર (ફિલ્મમાં 'સાગર'). આ ફિલ્મમાં પણ જોરદાર ખીલે છે. અમદાવાદની પોળમાં રહેતાં મધ્યમવર્ગીય છોકરાનું પાત્ર ખુબ જ ફ્રેશ લાગે છે, ને એની દિલફેંક અદાઓ- જે છોકરી જોવે એ ગમી જાય ! ચોવીસ છોકરીઓ દ્વારા રીજેક્ટ થયેલો ( સાડા અઢારમાં તો વન સાઈડેડ લવ જ હતો!) આ ફૂટડો સાચા પ્રેમને ક્યારે પામી લે છે એની એનેય ખબર નથી પડતી. ડાયલોગ ડીલીવરી અને કોમિક ટાઈમિંગનાં લીધે હાલની તકે તો મલ્હારનો જોટો જડે એમ નથી. અંતરા સાથેની ફોન પરની વાતચીત વાળો સીન એના હાવભાવયુક્ત અવાજને લીધે આંખનાં ખૂણા ભીંજવી દે એવો ઈમોશનલ બન્યો છે.

ફિલ્મનું બીજું મહત્વનું પાત્ર નિભાવ્યું છે પ્રતિક ગાંધીએ ( ફિલ્મમાં ‘આદિત્ય’). પોતાના અભિનયથી તેણે અગાઉ પણ ગુજરાતી ફિલ્મોમાં સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. બિઝનેસમેનનાં તેના આ પાત્રમાં એ સોફેસ્ટીકેટેડ લાઈફ જીવે છે. ( જોકે, એ શેનો બિઝનેસ કરે છે એ આખા મુવીમાં ખબર પડતી નથી) ફિલ્મની નાયિકા અંતરાને પ્રપોઝ કરતા સીનમાં એણે સખત અભિનય કર્યો છે. (આપણને લાગી જ આવે કે એ રીજેક્ટ થવાનો છે ;-) ને કહેવાનું મન પણ થઇ જાય કે, ‘બકા, આ બિઝનેસ ‘ડીલ’ નથી, દિલ છે !) તો અંતરાનો “yes:)” એવો મેસેજ વાંચીને એણે એકપણ શબ્દ બોલ્યા વગર જે અભિનય કર્યો છે એ પણ યાદગાર.

ફિલ્મની નાયિકા છે આરોહી પટેલ(અંતરા). ફિલ્મમાં એ રેડિયો જોકી છે. સવારે ઉઠવું ગમતું નથી અને સવારનો જ શો કરે છે ! આખાબોલી અંતરાના શો નું નામ છે ‘લવની ભવાઈ’. આખા અમદાવાદના લવ પ્રોબ્લેમસ સોલ્વ કરતી અંતરાનું અંગત જીવન જયારે ગૂંચવાઈ છે ત્યારે શરૂ થાય છે રિઅલ લવની ભવાઈ. વર્ષો સુધી ફિલ્મમાં આવતી ગુજરાતી નારીની ઈમેજ તેણે સાવ ભૂંસીને નવી આધુનિક યુવતીની જીવનને જીવવાની ફિલસુફી આપણી સામે મૂકી છે. ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર એના રીઅલ લાઈફના મમ્મી-પપ્પા છે, તેમ છતાં ખુબ જ comfortly તે પોતાના રોલને ન્યાય આપી શકી છે. સ્લીવલેસ અને શોર્ટ્સ પહેરતી, બસમાં અજાણ્યા છોકરા સાથે ઇઅરફોન શેર કરતી, હોટેલનું બિલ જાતે ચુકવતી ને જેવી છે તેવી પ્રામાણિક રીતે જીવતી આ અંતરાનું પાત્ર આમ જુઓ તો રહસ્યમય છે, ફિલ્મમાં કેટલાક સવાલોના જવાબ અકબંધ છે. કદાચ એ જ એના જીવનને આવું જીવવા જેવું બનાવે છે !

ફિલ્મમાં આવતા અન્ય પાત્રોએ પણ દમદાર પરફોર્મન્સ આપ્યું છે. ખુદ પ્રોડ્યુસર આરતી પટેલ અંતરાના બોસ ‘K’ (ક્રિષ્ના)ના રોલમાં છે. પ્રખ્યાત લેખિકા પ્રતિભા રાયની બુક ‘દ્રૌપદી’ વાંચતા વાંચતા એક સીનમાં અંતરા ભાંગી પડે છે ત્યારે કૃષ્ણએ દ્રૌપદી કે અર્જુનને આપેલું એવું જ આશ્વાસન એ અંતરાને આપે છે. બીજા થોકબંધ પાત્રોની વચ્ચે સાગરના મિત્ર તરીકે મૌલિક નાયક ( અહિ ‘મેહુલ’) અલગ જ સ્થાન ઉભું કરે છે. સ્ક્રીન પર તેની હાજરી પણ આપણને હસાવતી રહે છે. તો તારક મહેતા ફેઈમ ‘નટુકાકા (ઘનશ્યામ નાયક)ને ભજવેલો નાનો રોલ પણ ખુબ જ સરસ છે. ભવાઈ માટે પ્રખ્યાત એવા આ નટુકાકાએ ઐશ્વર્યા રાયને ‘હમ દિલ દે ચુકે સનમ’માં ભવાઈ શીખવાડેલી. ડીરેક્ટર સંદિપ પટેલે આ રોલ થકી ભવાઈનું આડકતરી રીતે સન્માન જાળવ્યું છે. 'મમ્મીનાં હાથના થેપલા' ને 'ભૂરાની ચા' પણ આખા ફિલ્મમાં પાત્રની જેમ જ આપણી સાથે રહે છે અને કવિ તુષાર શુક્લનો ગેસ્ટ અપીરીઅન્સ તો સોને પે સુહાગા ! 

ફિલ્મ જેટલી સરસ છે એટલું જ મજ્જાનું છે તેનું સંગીત. આજના યુવાનોની જીભે ગુજરાતી ગીતો ચડાવવાનું શ્રેય ‘સચિન-જીગર’ને ફાળે જાય છે. ફિલ્મના દરેક ગીત વારંવાર સાંભળવા ગમે તેવા છે. આ સંગીતકાર જોડી એ ભવાઈની ‘તા થૈયા થૈયા તાં થૈ’ કડીને રીક્રીએટ કરીને આજની પેઢીને ગમતીલું સંગીત કમ્પોઝ કર્યું છે. તમામ ગાયકોએ ખુબ જ સુંદર રીતે ગીતો ગાયાં છે અને એટલાં જ સંવેદનાસભર ગીતો લખ્યા છે નીરેન ભટ્ટએ. ‘વ્હાલમ આવોને’ ગીતમાં છેલ્લે આવતો Crescendo ( ધીમે ધીમે તીવ્ર/ઉત્કટ થતું સંગીત) લાજવાબ છે. (એના શબ્દો આ લેખને અંતે ગમતો શેરમાં) અને મહત્વની વાત તો એ છે કે આ ફિલ્મમાં ક્યાંય ગીતને ફિટ કરી દિધા હોય એવું લાગતું જ નથી. વાર્તાની માવજત સાથે ગીતોને સહજતાથી મુકેલા છે, ઉલટાનું પાત્રના મનની વાતો ગીત દ્વારા આપણા સુધી પહોંચે છે. ‘ધૂન લાગી’- ગીતની વિશેષતા એ છે કે નવો નવો પ્રણય થયો હોય એનેય ગમે, પ્રણયમાં ગળાડૂબ હોય એનેય ગમે ને પ્રણયભંગ થઈ ગયો હોય એનાય દિલોદિમાગ પર છવાઈ જાય !!

મિતાઈ તુષાર શુક્લ અને RJ નેહલ બક્ષીએ લખેલી આ ફિલ્મ અર્બન ગુજરાતી સિનેમાની નવી પેઢીની પરિપક્વતા દર્શાવે છે, તો સીનેમેટોગ્રાફર તરીકે તપન વ્યાસ પણ આનંદ કરાવી જાય છે. આમ, આખું ટીમવર્ક આ ફિલ્મને ફિલ્મ ન રહેવા દેતા એક સર્જન બનાવે છે !

જો તમે આ લેખ વાંચી શકતા હોવ અને આ ફિલ્મ ન જોઈ હોય તો તમારા જેવું કમનસીબ બીજું કોઈ નથી. જલ્દીથી જોઈ આવો આ માસ્ટરપીસ મુવીને !

I love you રે મારી ગુજરાતી મૂવીની સવાર !!

‘લવની ભવાઈ’નો બીજો ‘વેશ’ આવે એની રાહમાં એક પાક્કો ગુજરાતી.....
- મનન બુધ્ધદેવ – મોરબી
meet me on FB : Master Manan

:: ગમતો_શેર ::
યાદોનાં બાવળને આવ્યા ફૂલ રે હવે,
તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે !
સપના, આશા, મંછા, છોડ્યા મૂળ રે હવે
તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે !
-નીરેન ભટ્ટ

(નોંધ : આ લેખને નામ સાથે જ શેર કરશો.)

Tuesday, 24 October 2017

साँसों की माला पे सिमरूँ मैं पी का नाम

કલાનો કોઈ એક ધર્મ હોતો નથી,
કોઇપણ ધર્મ કલા વગરનો હોતો નથી!

            હિંદુ કવિયિત્રીએ લખેલું, મુસ્લિમ ગાયકે ગાયેલું, શીખ ધર્મની નામસ્મરણ ભક્તિના વિચારને અને બૌદ્ધધર્મના ‘ધ્યાન’ના ખ્યાલને રજુ કરતું એક ભજન જે ઉપરના વાક્યને સુપેરે સાબિત કરે છે, એ ભજન છે ‘साँसों की माला पे सिमरूँ मैं पी का नाम’ 

          આ ભજનના રચયિતા છે મીરાંબાઈ.(source: Wikipedia) કૃષ્ણભક્તિમાં લીન મીરાંબાઈ કૃષ્ણને પોતાનાથી અલગ ગણતાં જ નથી. મનને હરી લેનાર હરિનું સતત સ્મરણ કર્યા કરે છે. ને સ્મરણ કરવાની રીતેય નિરાળી છે! ‘साँसों की माला’થી નામસ્મરણ કરે છે! છે ને અદ્ભુત કલ્પના !
             
              આશરે  ૧૬મી સદીમાં લખાયેલી આ રચનાને ‘અમરત્વ’ આપવાનું કામ કર્યું છે, નુસરત ફતેહ અલી ખાં સાહેબે. ઈ.સ.૧૯૭૯માં તેઓ ભારત આવ્યા ત્યારે આ રચના કવ્વાલીના ઢાળમાં ખુબ જ પ્રખ્યાત થયેલી. આ અનોખી બંદિશનો આસ્વાદ અત્રે રજુ કરૂ છું.

साँसों की माला पे सिमरूँ मैं पी का नाम
अपने मन की मैं जानूँ और पी के मन की राम
               पी એટલે પ્રિયત્તમ. કૃષ્ણને જ પ્રિયત્તમ માનનારી મીરાં શ્વાસોની માળા બનાવીને તેને યાદ કરે. હાથમાં રાખવાની માળા તો ગણી શકાય, શ્વાસ અગણિત અને અવિરત હોય છે તેથી ‘પી’નું નામ નીશદિન મનમાં જ હોય! પ્રખ્યાત શાયર એહમદ ફરાઝે લખ્યું છે, 
तोड़ दिया तस्बी को इस ख्याल से "फ़राज़"
क्या गिन गिन के नाम लेना उसका जो बेहिसाब देता है
(तस्बी = माला)
                પ્રિયત્તમના મનમાં શું ચાલે છે એની મને ખબર નથી ને મને પરવાય નથી, હું સતત તેની યાદમાં જીવું છું. શ્વાસ જ એ છે! આવી જ કૈંક વાત કવિ મનહર મોદી એ એક શેરમાં કરી છે,
જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર !

यही मेरी बंदगी है यही मेरी पूजा,
अब मैं साँसों की माला पे…
इक का साजन मन्दिर में, इक का प्रीतम मस्जिद में,
पर मैं साँसों की माला पे…
            કોઈ મંદિરમાં જઈને ઈશ્વરને શોધે છે તો કોઈ મસ્જિદમાં, પણ ઈશ્વર કે અલ્લાહ તો સૃષ્ટિનાં કણેકણમાં છે. ઈશ્વરની સાજન કે પ્રીતમ સાથેની સરખામણી ભજનને નવી જ ઉંચાઈ આપે છે. શ્વાસની માળાથી જ ઈશ્વરને પામવાની મીરાંબાઈની મથામણ ઘણું કહી જાય છે, આ સાચી બંદગી છે અને આ જ સાચી પૂજા છે!

हम और नहीं कछु काम के मतवारे पी के नाम के,
साँसों की माला पे…
            ગાલિબનો આ શેર પ્રેમમાં થતી પ્રિયજનોની સ્થિતિ વર્ણવે છે,
इश्क ने गालिब निकम्मा कर दिया,
वर्ना हम भी आदमी थे काम के!!
           પ્રિયત્તમનાં નામસ્મરણમાં લીન વ્યક્તિ બીજાને કોઈ કામનો લાગતો નથી. એની કામના પૂરી થાય એ જ એનું કામ રહ્યું હોય છે! 

प्रेम के रंग में ऐसी डूबी बन गया एक ही रूप,
प्रेम की माला जपते जपते आप बनी मैं श्याम, 
साँसों की माला पे…
            એ પ્રિયત્તમ, હું એટલી તારામય બની ગઈ છું કે, હું હું જ નથી, હું તું જ થઇ ગઈ છું જાણે! પ્રિયજનના પ્રેમમાં એકરૂપ થયેલી પ્રિયત્તમાએ એની સખીને એકવાર એવું કહ્યું કે,
सजनी पाती तब लिखूं जो प्रीतम हो परदेस 
तन में मन में पिया बसे भेजूं किसी संदेस
             નુસરત ફતેહ અલી ખાં સાહેબે આ કવ્વાલીની શરૂઆતમાં એક શેર ગાયો છે.
आ पिया इन नैनन में जो पलक ढाँक तोहे लूँ, 
न मैं देखूँ गैर को न तोहे देखन दूँ
            પ્રેમભક્તિનાં સાગરમાં ડૂબેલી પ્રિયત્તમા ઈશ્વર સાથે એકાકાર થઇ જાય એટલું તાદાત્મ્ય અનુભવે છે! 

प्रीतम का कुछ दोष नहीं है वो तो है निर्दोष
अपने आप से बातें करके हो गयी मैं बदनाम, 
साँसों की माला पे…
           મારી તારામય પરિસ્થિતિ માટે પ્રિયત્તમ તું જવાબદાર નથી. હું તારી સાથે વાત કરું ત્યારે થાય છે એવું કે હું મારી જાત સાથે જ વાત કરું છું! અત્યારે કૃષ્ણભક્તિ માટે મીરાંબાઈને યાદ કરતો આપણો સમાજ એમના સમયમાં એમને સમજી શક્યો ન્હોતો અને આમેય આ સમાજને એ આદત હજુ પણ ક્યાં ગઈ છે! જાત સાથે સંવાદ કરતી મીરાંને લોકો જે માનતા હોય પણ એ મીરાં તો શ્વાસની માળા ફેરવવામાં જ લીન છે. કોઈકે કહ્યું છે ને કે,
કૃષ્ણ એટલે મીરાંમાં છુપાયેલો શ્વાસ,
મીરાં એટલે કૃષ્ણએ સ્વીકારેલો શ્વાસ.

जीवन का सिंगार है प्रीतम माँग का है सिंदूर
प्रीतम की नजरों से गिरकर जीना है किस काम,
 साँसों की माला पे…
            પ્રિયત્તમ એટલે જ જીવન, જીવવાનું કારણ! એ જ જીવનનો ઉત્સવ અને એ જ જીવનનું સૌંદર્ય! જેમ સોળે શણગાર સજેલી સુહાગન સિંદુર વગર અધૂરી છે, એમ જ પ્રિયત્તમ વગર પ્રિયત્તમા અધુરી છે. પ્રિયત્તમની નજરોમાં જો માન ન રહે તો પછી જીવવાનું શું કામ છે? કંઇક આવું જ વિચારીને સીતામાતા ધરતીમાં નહિ સમાયા હોય ને ?!
          જીવનનાં શ્વાસસમા પ્રીતમને સ્મરવામાં જ જીવનની સાર્થકતા માનતી નાયિકા પ્રીતમ વગર પોતાના અસ્તિત્વને કલ્પી શકતી નથી!
નુસરત સાહેબે ગાયેલી આ રચનાની YOUTUBE LINK:
ગમતો_શેર :
हर हरमें है हर बसे,
हर हर को हर की आश
हर को हर हर ढूँढ फिरी
हर है मोरे पास !

- अज्ञात

Sunday, 8 October 2017

रश्क-ए-क़मर

     ક્રિકેટના મેદાનમાં જેવી રસાકસી ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળતી આવી છે, એથીય વધુ રસારસી(કસી!) ભારત-પાકિસ્તાનના સંગીતની એકબીજા દેશના નાગરિકોમાં આજકાલ ઉભરાઈ રહી છે.

        એક એવા ગીતની વાત કરવી છે, જેને ભારતના કેટલાંય સંગીત રસીયાઓને તરબોળ કરી દીધા છે. આ એવું ગીત છે જેને સાંભળીને જ મારા જેવા કેટલાયને રાત્રે નીંદર આવે છે! ભારતના કેટલાંય ગાયકોએ પોતાની અદામાં એને ગાવાનો પ્રયાસ પણ કર્યો છે, એ નેહા કક્કર હોય, સોનું નિગમ હોય, કિર્તીદાન હોય કે પછી ઓસ્માણ મીર હોય. એવું લાજવાબ આ ગીત છે ‘रश्क-ए-क़मर’.

         મૂળ તો આ કવ્વાલીના ઢાળમાં ગવાયેલી રચના, આ ગઝલના શાયર છે ‘ફના બુલંદશહેરી’. આ રચનાને અદ્ભૂત રીતે સ્વરબદ્ધ કરીને ગાઈ છે નુસરત ફતેહ અલીખાં સાહેબે. છેક 1987માં આ હૃદયંગમ રચના રેકોર્ડ થયેલી. તાજેતરમાં આવેલ ફિલ્મ ‘બાદશાહો’ દ્વારા આ રચના ચર્ચામાં આવી છે.... જો કે એ આ ગીતના શબ્દો કરતા મૂળ શાયરે લખેલી રચના ખુબ જ સુંદર છે. અહિ ‘ફના બુલંદશહેરી’ સાહેબે લખેલ મૂળ રચનાનો આસ્વાદ રજુ કરેલ છે.
मेरे रश्के क़मर तू ने पहली नज़र 
जब नज़र से मिलाई मज़ा आ गया
          ગઝલમાં આવતો શબ્દ ‘रश्क-ए-क़मर’સાંભળવામાં લાગે છે એવો જ સુંદર એનાં અર્થમાં પણ છે. રશ્ક એટલે ઈર્ષ્યા અને કમર એટલે ચાંદ. ચાંદને જેની ઈર્ષ્યા આવે છે એવી સ્વરૂપવાન સ્ત્રી એટલે રશ્ક-એ-કમર. ઓછા શબ્દોમાં લાગણીની તીવ્રતા રજૂ કરવા પ્રખ્યાત એવી ઊર્દૂ ભાષાની આ રચના તેના દરેક શેરમાં નવી જ રીતે ઉઘડે છે.
बर्क सी गिर गयी काम ही कर गयी 
आग ऐसी लगायी मज़ा आ गया 
ઉર્દૂ હોય કે હિન્દી હોય કે ગુજરાતી હોય, ‘નજર’ પર દરેક ભાષાના કવિઓની નજર પડી છે. ને એમાંય પહેલી નજરે પ્રેમ તો આજીવન વાગોળવા જેવો હોય છે. અહી શાયર પહેલી નજરને વીજળી (બર્ફ નો અર્થ)ની ઉપમા આપે છે. નજર એટલી દાહક છે કે જાણે આગ લાગી ગઈ! અને આગ પણ એવી લાગી કે બસ મજા આવી ગઈ.

जाम में घौल कर हुस्न की मस्तियाँ 
चांदनी मुस्कुराई मज़ा आ गया
चाँद के साए में ऐ मेरे साकिया 
तू ने ऐसी पिलाई मज़ा आ गया 
તોફાની સૌન્દર્ય નસોમાં ભળી જતાં ચંદ્રની ચાંદની પણ સ્મિત કરી ઉઠે છે. ચાંદની રાતે પ્રિયતમા એ એવો જામ પીવડાવ્યો કે બસ મજા આવી ગઈ.

वो बे हिजबाना वो सामने आ गए 
और जवानी जवानी से टकरा गयी 
आँख उनकी लड़ी यूँ मेरी आँख से 
देख कर ये लड़ाई मज़ा आ गया 
(બે-હિઝાબાના એટલે પડદા વગર)
બેફામ સાહેબે લખ્યું છે ને...
“પ્રણયની સર્વથી પહેલી કહાણી થઇ ગઈ આંખો
કે ભાષા થઇ ગઈ દ્રષ્ટિ ને વાણી થઇ ગઈ આંખો.”

ક્યારેક ક્યારેક જ મળતી નજર કોઈપણ આવરણ વગર સામે આવી ચડે ત્યારે યૌવનોત્સવ થતો હોય છે. અહી શાયર કહે છે, આંખથી આંખની લડાઈ જોઇને મજા આવી ગઈ.

आँख में  थी हया हर मुलाक़ात पर 
सुर्ख आरिज़ हुए वसल की बात पर 
उसने शर्मा के मेरे सवालात पे 
ऐसे गर्दन झुकाई मज़ा आ गया
શરમાવું એ સ્ત્રીનો અબાધિત અધિકાર છે. ખરું કહો ને તો સૌન્દર્યનું શિરછોગું એટલે શરમાવું. દરેક મુલાકાતમાં શરમાતી નવયૌવનાના ગાલ મિલનની માત્ર વાત સાંભળીને જ લાલ થઇ જાય! અહી શાયરે અશાબ્દિક પ્રત્યાયનની પરાકાષ્ઠા રજુ કરી છે. ‘ઔર તેરા દાંતો મેં વો ઉંગલી દબાના યાદ હૈ’ એવું એક ગઝલમાં પણ આવે છે. શાયરાના સવાલો સાંભળીને મૌન રહી ઝુકેલી ગરદને ઉભેલી પ્રેમિકાને જોઇને બસ મજા આવી ગઈ.

ऐ ‘फ़ना’ शुकर है आज बाद-ए-फ़ना
उसने रख ली मेरे प्यार की आबरू 
अपने हाथों से उसने मेरी क़बर पर 
चादर-ए-गुल चढ़ाई मज़ा आ गया 
અહીં શાયર પોતાનું તખલ્લુસ ‘ફના’ શ્લેષમાં પ્રયોજે છે. પોતાને અને મૃત્યુને બંનેને કહે છે કે મૃત્યુ પછી તો તેણે મારી આબરૂ સાચવી લીધી. ભલે કદાચ જીવતાજીવે તેના હાથને સ્પર્શેલા ફૂલ મને નસીબ ન થયા. અને આમેય એવું કોણે કહ્યું છે કે, બેય વ્યક્તિ એકબીજાને કરે તો જ પ્રેમ થાય. હમણાં Whatsapp પર મેસેજ આવેલો, પ્રેમ કાંઇ થોડો વ્યવહાર છે કે તું કરે તો જ હું કરું? જેને ચાહવામાં આખી જિંદગી વિતાવી દીધી એ મર્યા પછી એકવાર કબર પર ફૂલો ચડાવી ગઈ ત્યારે પણ બસ! મજા આવી ગઈ!!

આ રહી નુસરત ફતેહ અલી ખાં સાહેબનાં મખમલી અવાજમાં રેકોર્ડ થયેલી આ રચના.....


ગમતો_શેર :
“તીરછી નજરોસે ન દેખો આશિકે દિલગીર કો,
કૈસે તીરંદાજ હો? સીધા તો કરલો તીર કો”
-વઝીર લખનવી

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...