Wednesday 11 August 2021

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

 

        જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જેવું હોય જાણે..... ગલ્લો શબ્દ જ કેવો સ્મૃતિવેધક છે ! – હિન્દીમાં આ ગલ્લો એ ગુલ્લક... માટીના મટીરીયલનો મોજ આપતો મિત્ર... બચપણના એ જુના ઘરના આપણા ગમતાં ખૂણામાં પડેલી આપણી જાહોજલાલી એ જ ગુલ્લક... આ ગુલ્લક એક રૂપક છે જિંદગીનું.... એક વેબસીરીઝ હમણાં જોઈ ‘ગુલ્લક’... કોઈ જ શોરબકોર કે ફ્લોવાળી વાર્તા વિના માત્ર પ્રસંગો! એક સીઝનના પાંચ એપિસોડ જાણે આપણા જ કિસ્સા હોય એવું લાગ્યું ! આ ગુલ્લક સીરીઝે ખુબ હસાવ્યો, એવો જ રડાવ્યો અને લઇ ગઈ મને મારા જીવાયેલા જીવનની પળોના ગુલ્લકમાં.....

સુગંધી સ્પર્શ, સંવાદો, ટીખળ ધમાલ રાખે છે;

સ્મરણ નામનો ગુલ્લક જણસ કમાલ રાખે છે!

-અંજના ભાવસાર ‘અંજુ’

સ્મરણો એ જ જીવનની કમાણી છે!- ને એ જેમ જુના થાય એમ વાગોળવા વધુ ગમે! મેં એક પ્રયોગ કરી જોયો છે. કોઈ વૃદ્ધ (કે વૃદ્ધા)ને તેમના ભૂતકાળની વાતોમાં લઇ જાઓ ત્યારે આંખોમાં એક અલગ જ ચમક આવી જતી હોય છે. કેટકેટલાં સ્મરણો સાચવીને બેઠેલો માનવી જ્યારે એક એક પડળ ખોલી પોતાની વાતો વાગોળે છે ત્યારે પોતાનો ગરાસ લુંટાવવાની મજા લેતો હોય છે! – આ ગરવા ગરાસને યાદોમાં સાચવવાની અને લુંટાવવાનીય એક પોતીકી મજા હોય છે!

‘કંઈ કેટલો ખજાનો અણમોલ એમાં મળશે,

મનશા ભરેલું મનનું ગુલ્લક કદી જો ફૂટે!’

-ડૉ. સુજ્ઞેષ પરમાર

ગુલ્લક જગતની એકમાત્ર એવી વસ્તુ છે જે તૂટી-ફૂટી જાય તોય આનંદ આપે છે! – એવું જ યાદોની ગુલ્લકનું છે! એમાંથી જેવી કોઈ સંપત્તિ બહાર નીકળે એ આપણને કેવી ઊર્જા આપી દે ! જિંદગી કોઈ સ્પર્ધા નથી કે વધુ યાદો વધુ સ્મૃતિઓ ભેગી કરવા વધુ જીવવું પડે ! યાદોના ગુલ્લકમાં એવું જ સચવાતું હોય છે જેમાં આપણું સર્વસ્વ હોય ! જીવન એ સ્મૃતિઓ શોધવાની જગ્યા નથી, એ તો સ્મૃતિઓ સર્જવાની જગ્યા છે !

‘જિંદગીની સારી ઘટનાઓ સદા મનમાં રહે;

આવી યાદો સંગ્રહી લેવા નવું ગુલ્લક મળે!’

-યોગેન્દુ જોષી

 બાળપણમાં કરેલ તોફાન મસ્તી હોય કે જુના ઘરના ખૂણામાં બેસીને પરીક્ષા માટે રાતભર વાંચીને કરેલ તૈયારી, શેરીમિત્રોની ટોળકીએ સાથે ઉજવેલ ઉત્સવ હોય કે બાએ જાતે બનાવેલ કોઈ વાનગી! મહેમાન આવે ત્યારે ઘરમાં થતી તૈયારી હોય કે પરિવાર સાથે બેસીને થતી શેકેલી મગફળી કે મકાઈ ખાવાની લિજ્જત! શાળાએ ન જવા માટે વિચારાતા નવા નવા બહાના હોય કે ઓછી ખિસ્સા ખર્ચીમાંય ઝાઝી મજા કરી શકવાની આવડત! ઘરમાં કોઈ નવી વસ્તુ લેવા માટે થતું દિવસો સુધી ચાલતું પ્લાનિંગ હોય કે પરિવાર તરફથી અચાનક જ મળતું સરપ્રાઈઝ!! કમાણીનો પહેલો પગાર ‘મા’ના હાથમાં મુકવાનો આનંદ હોય કે ગમતું સ્વજન ગુમાવ્યાનો શોક! ક્યારેય નાનું ન લાગે એવું ઘર હોય કે મોટા થયાં પછી જેને અગવડ કહેવાય તેવી ખબર પડી હોય એવી સગવડો – આપણું મન આવું તો કેટલુંય અમુલ્ય સાચવીને બેઠું હોય છે. જિંદગી આવી સ્મૃતિઓથી જ જીવવા જેવી બનતી હોય છે!

‘ગુલ્લક’ વેબસીરીઝમાં આવતા ગીતના શબ્દો અને સંગીત ખૂબ જચે એવા સર્જાયા છે!

जब ज़िंदगी यादों की गुल्लक थी

गुल्लक थी, गुल्लक थी

ये ज़िंदगी यादों की गुल्लक थी

गुल्लक थी, गुल्लक थी

 

कभी अक्कड़ थी, कभी बक्कड़ थी

कभी टेढ़ी थी, कभी मेढ़ी थी

थोड़ी अकड़ी थी, थोड़ी जकड़ी थी

पर लपक के हमने पकड़ी थी

 

थोड़ी गीली थी, थोड़ी dry थी

कभी low सी थी, कभी high थी

घुल जाए तो इलायची

घिस जाती तो अदरक थी

 

बाबू-लल्ला, हल्ला-गुल्ला

चैं-चैं, पौं-पौं हो गईल ईह मुहल्ला

बाबू-लल्ला, हल्ला-गुल्ला

चैं-चैं, पौं-पौं हो गईल ईह मुहल्ला

 

हाँ, ऊनी गेंदों सी, फटी जेबों सी

छँटे कोहरे सी, बासी तहरी सी

ऊनी गेंदों सी, फटी जेबों सी

छँटे कोहरे सी, बासी तहरी सी

 

बातों की दातुन से चलती

Unlimited WiFi थी

फ़ुरसत का petrol पड़ा के

Slowly, slowly भगाई थी

 

हम सब के हिस्से आई थी

हम सब ने गले लगाई थी

एक चम्मच थी, पर too much थी

 

जब ज़िंदगी यादों की गुल्लक थी

गुल्लक थी, गुल्लक थी

जब ज़िंदगी यादों की गुल्लक थी

गुल्लक थी, गुल्लक थी

-     દુર્ગેશ સિંઘ, સીમરન હોરા

         આ લીંક પર આપેલ ટાઈટલ ટ્રેક અને છેલ્લે 18:40 એ આવતું યાદો કી ગુલ્લક સોંગ તમને ગમશે જ એવી ખાતરી છે. CLICK HERE TO LISTEN JUKEBOX

:: ગમતો_શેર ::

        ગુલ્લક ભરચક થઇ જાવાનું,

        શ્વાસ મળ્યાં એ ખરચી નાખો !

-     જિગર ફરાદીવાલા

       

Thursday 28 February 2019

ગમતો_શેર : રમેશ પારેખ સ્પેશ્યલ

'રમેશ પારેખ' એટલે સંવેદનોનું ઘોડાપુર! કાળજું કોરી નાખે એવી કવિતાના કસબી ને નવોઢાની મહેંદી જેવા લાલચટ્ટક લયના કવિ....

આજે #ગમતો_શેર નહીં, પણ મનગમતા કવિના #ગમતાં_શેર :

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ…

ન્હોતી ખબર કે શહેરના લોકો હશે સાવ અંધ,
આવ્યો'તો હું રમેશ અહીં અરિસાઓ વેચવા!

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

‘ર’ નિરંતર મેશમાં સબડે અને,
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે…

એક છોકરી ન હોય ત્યારે કેટલાં અરીસાઓ સામટા ગરીબ બની જાય છે
બીજું શું થાય કંઈ પથ્થર થઈ જાય કંઈ ચોખંડી ચીજ બની જાય છે

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.

ચીંધ આખું વિશ્વ એને તું રમેશ,
જેને સરનામું ર.પા.નું જોઈએ!

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી,
આળ મારા પર, સહુએ, મારું હોવાનું મૂક્યું.

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે…

ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું,
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું!

છ અક્ષરના નામની ૧૨મી પુણ્યતિથિએ રમેશાભિમુખ....
- મનન બુધ્ધદેવ

નીલ બટ્ટે સન્નાટા : શૂન્યાવકાશ પાછળનું આકાશ

કોલમનું નામ : T ફોર Teacher
(એજ્યુકેશન સિસ્ટમ)
આસ્વાદ લેખ : મનન બુધ્ધદેવ

એક શાળાના એક ક્લાસમાં વીસ પચ્ચીસ વિદ્યાર્થીઓ અને એક ટીચર લેપટોપ સામે બેઠાં છે. રસપૂર્વક કૈંક જોઈ રહ્યાં છે. થોડી થોડી વારે ટીચર પોતાનો રૂમાલ કાઢીને આંખોના ખૂણા લૂછે છે, તો વિદ્યાર્થીઓ પણ ટીચરને જોઈ, ક્યારેક લેપટોપમાં ચાલતી ફિલ્મના દૃશ્યને જોઈ છાનું છૂપું રડી લે છે. ફિલ્મ જોવાની આ ઘટના એ શિક્ષિકાના વર્ગમાં દર વર્ષે થાય છે. દર વર્ષે વિદ્યાર્થીઓ બદલાય છે. શિક્ષિકા એના એ જ રહે છે. દર વખતે એમને આ ફિલ્મ જોઈ નવી ઉર્જા મળે છે. આ ફિલ્મ જોનાર વિદ્યાર્થીઓમાં પણ એ શિક્ષિકા ખાસ્સુ નોંધનીય પરિવર્તન જોઈ શકે છે. વિદ્યાર્થીઓને પણ ફિલ્મનો પરિવેશ પોતીકો લાગે છે. પોતાની જ વાત, પોતાની જ સમસ્યા જાણે ફિલ્મમાં રજૂ થાય છે, એવું વિદ્યાર્થીઓ અનુભવે છે. ફિલ્મનો અંત આવે એટલે વિધાર્થીઓ અને શિક્ષિકા એક બીજા સાથે કાંઈ જ બોલી શકતા નથી, પણ તેમનું મૌન ખૂબ બોલકું હોય છે !

આ ઘટનામાં જોવાતી ફિલ્મ એટલે નીલ બટ્ટે સન્નાટા! એક સંવેદનાસભર નખશીખ એજ્યુકેશનલ ફિલ્મ. અભાવોમાં જીવાતી જિંદગીની સપના જોવાની જીદ એમાં હદયનાં તાર ઝણઝણાવી દે એવી રીતે રજૂ કરાઇ છે. નીલ બટ્ટે સન્નાટા એટલે શૂન્યને ભાગો તો શૂન્ય સિવાય કંઇ જ ના વધે એવો ભાવાર્થ કરી શકાય. નકારાત્મક લાગતું આ શીર્ષક ફિલ્મમાં સતત કટાક્ષ કરતું રહે છે અને અંતે ખોટું પડે છે ! આ ખોટું પાડવાની જીદ કરે છે કે એનાથી જીદ થઇ જાય છે, એ છે એક માં ! નામે ચંદા સહાય, ધોરણ દસ અધૂરું છોડી, પોતાની ગરીબાઈને વશ થઇ અતિસામાન્ય જિંદગી જીવતી ચંદા પારકા કામ કરે છે. એની દીકરી અપ્પુ ઉર્ફે અપેક્ષા (માતાની અપેક્ષા) છે. ચંદા તેણીને માટે ઘણી ગંભીર છે. પોતે જે સ્થિતિમાં છે, એમાં જ એની દીકરીને કોઈ માં રહેવા ન દે. પોતા કરતાં વધુ સફળ પોતાનું સંતાન થાય એવું દરેક મા-બાપ ઈચ્છતા હોય એમ ચંદા સહાય પણ ઈચ્છે છે. મા-દીકરીનો આ પરિવાર નાના એવા ઘરમાં રહે છે. દીકરી દસમા ધોરણમાં આવી છે. માને ખબર છે હવે, આ અપેક્ષાની જિંદગીનો મહત્વનો વળાંક છે. આ પાર થશે એટલે જરૂર કૈંક આગળ થશે. 

અપેક્ષા સહાય, નામ પ્રમાણે વિદ્યાર્થી હાજરીપત્રકમાં પહેલું નામ છે પણ અપેક્ષા પરીક્ષામાં છેલ્લેથી પહેલો ક્રમ મેળવે છે. માંડ માંડ પાસ થતી અપ્પુ ગણિતથી ગભરાય છે. શાળાના કડક આચાર્ય ગણિત ભણાવે છે, એટલે ગણિતથી એ વધુ ડરવા લાગે છે. આ શિક્ષક ખુબ ઓછું હસે, (ગણિતનાં શિક્ષકો ઓછું હસે, એવું શિક્ષણવિદ્દ સુબીર શુક્લા કહેતા!) પણ વિદ્યાર્થીઓ માટે ખુબ દૃષ્ટિવાન અને મહેનતી. સફળતાને બિરદાવે અને નિષ્ફળતાને ઉદ્દીપન આપી સફળતા તરફ દોરી જાય! અપેક્ષા પ્રત્યે એમને કોઈ વિશેષ અપેક્ષા નથી. જે અપેક્ષા છે, એના પર અપેક્ષા સાચી પડે છે.(સીમ્બોલીઝમ!) ચંદાને અપેક્ષાની ખુબ ચિંતા થયા કરે છે. અપેક્ષાને ભણવા કરતા ટી.વી. જોવું, વાતો કરવી, હરવું ફરવું, વધુ ગમે છે. ભણીને શું મળવાનું છે? અંતે તો તેને પણ તેની માની જેમ કામવાળી બાઈ જ બનવાનું છે ને!  આવું વિચારી મેટ્રિકમાં અને જિંદગીમાં ફેઈલ થવાની તેણી તૈયારી કરી રહી છે!

ચંદા એક ડોક્ટર દીદીને ત્યાં ‘બાઈ’ તરીકે કામ કરે છે.  આ ડોક્ટર દિવાન ચંદાના મેન્ટર તરીકે તેણીને સહાય કરે છે. ચંદાની મુખમુદ્રા જોઇ તેણી ભાવને કળી શકે છે. ચંદાને જયારે અપેક્ષા એમ કહે છે કે, ડોક્ટરના સંતાન ડોક્ટર બને એમ બાઈની દીકરી તો ‘બાઈ’ જ બને ને! આ ચિંતા ચંદાને કોરી ખાય છે, તેણીને ડૉ.દિવાન તબક્કે તબક્કે માર્ગ બતાવી પ્રોત્સાહિત કરતા રહે છે. ચંદાને ધ્યાને આવે છે કે તેની દીકરી ગણિતમાં નબળી છે, એટલે તેણી અને દિવાનદીદી અપેક્ષા માટે ટ્યુશન રખાવાનું નક્કી કરે છે, પણ ટ્યુશનવાળા હોશિયાર વિદ્યાર્થીને ડિસ્કાઉન્ટ આપે છે. ભણવામાં સામાન્ય વિદ્યાર્થીને વધુ ફી ભરવી પડે એવું કહી શિક્ષણનું વ્યવસાયીકરણ કર્યા કરે છે. આવી સ્થિતિમાં ચંદા ખુબ ભારણ અનુભવે છે. ત્યારે ડૉ.દિવાન એક નિર્ણય લે છે. તું જાતે શીખ અને તારી દીકરીને શીખવ, એ માટે શાળાએ જવું હોય તો ફરી જા! અને આપણા આશ્ચર્યની વચ્ચે ચંદા પોતાની દીકરીની જ શાળામાં દીકરીના જ ક્લાસમાં યુનિફોર્મ પહેરી રીતસર વિદ્યાર્થીની બને છે! મા-દીકરી વચ્ચે આ બાબતે મતભેદ થાય છે. એ મતભેદ સ્પર્ધામાં પરિણમે છે, ફિલ્મનો આ પાર્ટ અનેક રસથી તરબતર છે. એ તમને રડાવે પણ છે અને વિચારાવે પણ છે. શિક્ષક, મા-બાપ, મિત્ર અને અજાણ્યા વ્યક્તિઓનો આપણા જીવન પર પડતો પ્રભાવ આપણી પ્રગતિને પોષક હોય છે. આ આખી વાતને અપેક્ષા(!) મુજબ ફિલ્મમાં રજૂ કરાઇ છે. 

ફિલ્મ એક કલાક અને ઓગણચાલીસ મિનિટ સુધી આપણી અંદરની અનુભૂતિઓને જ રજુ કરતી હોય એમ લાગ્યા કરે છે. પછી આપણે મા-બાપ તરીકે, શિક્ષક તરીકે કે વિદ્યાર્થી તરીકે ભલે જોતાં હોઈએ! જે પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ એ દરેકમાં આપણને ફિલ્મ રીતસર જોમ પૂરું પાડે છે. ફિલ્મ જોયા બાદ એક પણ સીન ફિલ્મમાં બિનજરૂરી નથી લાગતો. માળામાં મોતી ગૂંથાય એમ, ફિલ્મ મગજમાં ગૂંથાતી રહે છે. ફિલ્મમાં ઈમોશનલ સીન્સ કાબિલે તારીફ છે. તેમાં મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર અને બાળમાનસનો સમન્વય છે. શિક્ષકો અને માબાપનો બાળકોના જીવનમાં કેટલો મહત્વનો ભાગ છે, એ પણ ફિલ્મ રજુ કરે છે. ફિલ્મમાં ‘મા’ને કેન્દ્રમાં રાખી છે. પોતાની થાળીમાં ઓછું પીરસતી મા, જરૂર પડ્યે સંતાનને ખીજાતી મા, દીકરી માટે બાધા રાખતી મા, જૂની સાડીઓ પહેરી સ્વપ્ન પૂરું કરવા બચત કરતી મા, જમીને સુઈને નીલા ગગનને આંબવાની હિમ્મત ભરતી મા, આ દરેક આયામો ફિલ્મ ડાયરેક્ટરે સ-રસ રીતે ચીતર્યા છે. આ ફિલ્મ ‘મા’ને ઈશ્વરનું અદ્ભુત સર્જન કહીને અર્પણ કરવામાં આવી છે.

ક્લાસના બોર્ડ પર લખેલું સુવાક્ય પણ દરવખતે સૂચક છે. પહેલા છેલ્લી બેન્ચે બેસતી અપ્પુ એક શરત પૂરી કરવા, નાની જીદ પૂરી કરવા આગળની બેન્ચે આવવા કમર કસે છે. આગળ આવે પણ છે, ફરી પાછળની બેન્ચે બેસી જાય છે. ગણિતમાં સારા કહી શકાય એવા માર્ક પણ મેળવવા છતાં પાસ થઇને  શું થવાનું ? આગળ ભણાવવાની હેસિયત છે તારી ? એવું માને પૂછી ફરી પડી ભાંગે છે. આખીયે ફિલ્મમાં આમ અપેક્ષાનો ઉતાર ચડાવ આવ્યા કરે છે. અરે, ડાયરેકટરે મા દીકરીનો ઝઘડો થાય ત્યારે સુવાની સ્થિતિ પર એ રીતે દર્શાવી છે. ઓવરટાઇમ કરવાથી મા આંખ નીચેના કુંડાળા પણ તમે જોઈ શકો. ફિલ્મમાં એક સીનમાં હિન્દી વિષયમાં ‘મેરા સપના’ વિષય પર નિબંધ લખવાનો હોય છે, ત્યારે પણ ડાયરેકટરે ઘણું ઝીણું કાંત્યું છે. ફિલ્મમાં અપેક્ષા સાથે ભણતો તેનો એક મિત્ર ડ્રાઈવર બનવાનું સપનું જોવે છે. આ નિબંધ લખવાની ઘટના તેને પોતાના સપના વિશે ફરી વિચારવા મજબુર કરે છે. અપેક્ષાને કોઈ સપનું નથી. એ એમ માને છે કે, ગરીબોને સપના જોવાનો અધિકાર હોતો નથી ! ત્યારે ડાયલોગ આવે છે, ગરીબ વો હૈ જીસકે પાસ અપના સપના નહિ હોતા !! ફિલ્મના કેટલાક સંવાદો ઉર્જાવાન, સૂચક, વિચારપ્રેરક અને ચિનગારી જેવા છે. 

ઓછા માર્ક આવે ત્યારે -  ‘ઇતના બુરા તો ફેઈલ હોનેમેં ભી નહિ લગતા!!’.

હકારાત્મકતા - “ઇન્સાન દો ચીજો સે બનતે હૈ, કિસ્મત ઔર મહેનત. ગરીબ કી કિસ્મત હોતી તો વો ગરીબ ક્યોં હોતા? તો બચી મહેનત, વો હી કર લો!”

શિક્ષકનું બાળકની એક નાની સફળતા પછીનું પ્રોત્સાહક વાક્ય –  “આપ મેરી અપેક્ષા પે ખરી નહિ ઉતરી ઇસકા મુઝે આનંદ હૈ“ 

જિંદગી જીતવાની જડીબુટ્ટી - “સવાલ કા જવાબ સવાલમેં હી હોતા હૈ”

એક માની કેફિયત - “વો તુજ પે અપને સપને થોપ નહિ રહી, ઉસકા તો સપના હી તુમ હો!”

ધીરજ, સફળતાનું ખરું રહસ્ય - “ખાના ધીમી આંચ પે પકેગા, તભી તો સ્વાદ આયેગા !”

આવી તો અનેક વિચારકણિકાઓ ફિલ્મમાં આપણને તરબોળ કરતી રહે છે.  

ફિલ્મનું સ્ક્રીનપ્લે ખૂબ સહજ અને સરળ છે. ફિલ્મ પ્રેરણાનું પૂમડું છે, જેની સુવાસ દર્શકના મસ્તિષ્કને મઘમઘાવી શકવા સક્ષમ છે. ફિલ્મના અંતમાં અપેક્ષા સહાય સિવિલ સર્વિસીઝના ઈન્ટરવ્યુમાં બેઠી હોય છે અને તેણીને સવાલ પૂછવામાં આવે છે કે, તેણી આઈ.એ.એસ. શા માટે બનવા માંગે છે? ત્યારે અપેક્ષાએ આપેલો ઉત્તર આંખના ખૂણાને નહિ આખેઆખી આંખને પલાળી દે, એવો વેધક છે. તેણી કહે છે, “મૈ ઈસલીયે આઈ.એ.એસ. બનના ચાહતી હું ક્યોંકી મૈ ‘બાઈ’ બનના નહિ ચાહતી!”

મોટેભાગે હું શિક્ષકોએ આ કે આવી ફિલ્મો જોવી જોઈએ એવું કહેતો, લખતો હોઉં છું, પણ આ ફિલ્મ શિક્ષકોએ જોવી જોઈએ એટલું જ નહિ, પોતાના વિદ્યાર્થીઓ અને વાલીઓને બતાવવી જોઈએ. વાલીઓએ પણ પોતાના સંતાન સાથે બેસીને જોવી જોઈએ. (ફિલ્મ ઓનલાઈન અવેલેબલ પણ છે.) જોકે આ ફિલ્મ જ એવી છે કે, તમે શિક્ષક, વિદ્યાર્થી, વાલી કાંઈ જ ન હો તો પણ સ્પર્શે જ. આ લખનાર અને લખનારના અર્ધાંગિનીશ્રીએ આ ફિલ્મની જાદુઈ અસર જોઈ છે એટલે કહું છું કે, મારું ચાલે તો, આ ફિલ્મને દરેક શાળાના અભ્યાસક્રમમાં ફરજીયાત મૂકી દઉં. 

:: હોમ વર્ક ::
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના !
- અમૃત ‘ઘાયલ’

એજ્યુકેશન સિસ્ટમ મેગેઝીનમાં પ્રકાશિત થયેલો લેખ આ સાથેની ઇમેજમાં
👇🏻👇🏻👇🏻👇🏻

Monday 25 June 2018

#ગમતો_શેર : ૧૧

#ગમતો_શેર :
     આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
     ‎
गुफ़्तगू उनसे रोज़ होती है,
मुद्दतों सामना नहीं होता |
                      - બશીર બદ્ર

વર્તમાન ઉર્દુ શાયરોમાં બશીર બદ્ર ગઝલની પરંપરામાં રહીને પોતાની પ્રયોગાત્મકતા કેળવવા માટે જાણીતા છે. એમની ગઝલોમાં હંમેશા શબ્દો અને કલ્પનોનું નવોન્મેષણ થતું હોય છે!

આ શેરમાં શાયરે કરેલી વાત દાદ માગી લે એવી છે. કોઈની સાથે ગુફ્તગૂ (હળવા અવાજમાં થતી અંગત વાતો) તો કાયમ થાય છે. પહેલાંના સમયમાં પ્રિયત્તમાની તસવીર સાથેય વાતો કરતાં, અરે! તસવીરોય વાતો કરતી એવું લાગતું. પ્રેમીઓ છુપી છુપીને મળતાં પણ ખુલ્લેઆમ ન મળી શકતાં. સામસામે એકબીજાની આંખમાં આંખ પરોવીને સામનો નથી થતો. શાયર કહે છે, એ ઘટનાને કેટલો સમય થયો જયારે રૂબરૂ મળ્યાં હોય!

બશીરજીએ આ શેર લખ્યો ત્યારનો સંદર્ભ કૈંક એવો હશે. હાલમાં પણ આ શેર કેવો લાગુ પડે!! વ્હોટ્સએપ કે મેસેન્જરમાં ગુફ્તગૂ તો અવારનવાર હોય પણ છડેચોક કોઈને મળી શકાય એવું શક્ય બને છે ખરું!! એવું પણ કહી શકાય કે, કોઈને મળવાનો કોઈને સમય જ નથી.

આપણે ઈનલાઈન નથી રહી શકતાં, એટલે ઓનલાઈન રહેવાતું હોય છે!

છે ને એક શેરની સમયાનુસારની પ્રસ્તુતતા!

જીઓ... શાયર ❤

#ગમતો_શેર : ૧૦

#ગમતો_શેર :
     આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કૈંક મારામાં જડતું રહે છે!
               - ડૉ. વિવેક મનહર ટેલર

નવી પેઢીના ગઝલકારોની કલમે ગુજરાતી ગઝલ કેવી ફૂલીફાલી રહી છે, એ કવિ વિવેક ટેલરના આ શેર પરથી કળાય છે. જેમનું ગીત મહારાષ્ટ્ર રાજ્યના ધોરણ દસના પાઠ્યપુસ્તકમાં સમાવાયું છે, એવા કવિ વિવેક ટેલર 'લયસ્તરો.કોમ'નું સંચાલન પણ કરે છે.

આ શેરમાં કવિની દુનિયાદારીની દૃષ્ટિ દેખાઈ છે. જગતની કનડવાની આદત શાશ્વત છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ, તો એવો કોઈ વ્યક્તિ નહીં હોય, જેને જગતે દુઃખ કે પીડા ન આપી હોય. અહીં કોને તકલીફ નથી. જગત પ્રત્યે દરેકને પોતાના આગવા અણગમાઓ અને આગવી ફરિયાદો તો હોવાની જ.

જેમ છાશને વલોવવાથી માખણ મળી આવે, એમ માણસને વલોપાતથી વિશ્વાસ મળી રહેતો હોય છે! એ વિશ્વાસ જાત પરનો! કહ્યું છે ને, કે ઘસાઈને ઉજળા થવાય. કવિ કહે છે, કે જે ક્ષણે મને કંઈ ગમ પડે છે, ત્યારે જીવનમાં નવી ગતાગમ પણ પડે છે! પીસાવામાં પણ કૈંક પાસે આવતું હોય જ છે! પણ આ બધું સભાનપણે ઓળખવું પડે. નિષ્ફળતાય શીખવે છે કે, કેમ નિષ્ફળ ન થવું!

છે ને કવિ વિવેકની જીવન વિશેની વૈચારિક વિવેકબુદ્ધિ!

જીઓ... શાયર! ❤

Monday 30 April 2018

#ગમતો_શેર : ૯

#ગમતો_શેર :
           આસ્વાદ :~) મનન બુધ્ધદેવ


સૌ દફા આદમી કો ગિરાયે બિના,
ટિકને દેતી નહીં પીઠ પર ઝિંદગી !

                               - સૂર્યભાનુ ગુપ્ત

અહીં શાયરે જિંદગીનું સજીવારોપણ અશ્વથી કર્યું છે. જેમ અશ્વ તેના અસવારને અનેક વાર પછડાટ આપે છે, એમ જિંદગી પણ માનવને અનેકવાર પછાડે છે.

એકવાર અશ્વની સાથે તાલમેલ થઈ જાય એટલે એ તાબે થઈ જાય, એમ આવડે તો જિંદગીને પણ એ રીતે જીતી શકાય છે.

જિંદગી પહેલાં પછડાટ આપે છે ને પછી, અશ્વની જેમ તે જ આગળ લઈ જાય છે, 

છે ને અદ્ભૂત ઉપમા...
જીઓ.... શાયર!

#ગમતો_શેર : ૮

#ગમતો_શેર :
            આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

સમઝ સકે તો સમઝ ઝિંદગી કી ઉલઝન કો,
સવાલ ઉતને નહીં હૈ, જવાબ જિતને હૈ!!

                                  - જાંનિસાર અખ્તર

પ્રખ્યાત શાયર જાવેદ અખ્તરના પિતાશ્રી જાંનિસાર અખ્તરે અહીં જિંદગી અને તેમાં આવતી મૂંઝવણોના મૂળ કારણની વાત કરી છે.

જીવનમાં આવતી અણધારી સમસ્યાઓ એ સમસ્યાઓ નથી, પણ એ સમસ્યાઓના મોટા મોટા લોકોએ આપેલા (ખોટા) સમાધાનો જ એક સમસ્યા છે.

સવાલો છે એનો સવાલ નથી, પણ સવાલના કેટલા બધા જવાબો છે, એમાંથી સાચો કયો છે, એ સવાલ છે.

ઉલઝન એ છે કે એની કહેવાતી સુલઝનો જાજી છે, છે ને અદ્ભૂત વિચાર!


જીઓ... શાયર!

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...